ડીસા: રાજ્ય સરકાર દ્વારા પાંજરાપોળોને જાહેર કરવામાં આવેલી 500 કરોડ રૂપિયાની સહાય ના ચુકવવામાં આવતા પાંજરાપોળના સંચાલકો રોષે ભરાયા છે. સરકારને ચેતવણી આપતા ડીસા સહિત બનાસકાંઠાની તમામ ગૌશાળાઓમાં ગાયને છોડી મુકતા પોલીસ દોડતી થઇ હતી. ડીસા હાઇવે પર ભાજપ સરકારના મંત્રી કીર્તિસિંહ વાઘેલાનો ગૌ પ્રેમીઓએ વાટકા વગાડીને ઘેરતા પોલીસે બળપ્રયોગ કર્યો હતો.
Advertisement
Advertisement
એક સાથે હજારો પશુઓને રખડતા કર્યા
ગૌ સેવકોએ સરકારે સહાય ના ચુકવતા એક જ સાથે પાંજરાપોળમાં રહેલા હજારો ઢોરને રસ્તા પર રખડતા કરી મુક્યા હતા. બનાવની જાણ થતા જ પોલીસે ગૌ શાળાની આસપાસ બેરિકેડ લગાવી દીધા હતા. બનાસકાંઠાના લાખણીમાં ગૌ પ્રેમીઓએ ગાયને કોર્ટમાં છોડી મુકતા કોર્ટની બહાર ગાયોનો જમાવડો થઇ ગયો હતો જેને કારણે વકીલો અને કામ અર્થે આવેલા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
બનાસકાંઠાની 180 ગૌશાળાઓએ પશુઓને છોડી મુક્યા
સરકાર સામે બાંયો ચઢાવતા બનાસકાંઠાની 180 ગૌશાળાઓએ 80 હજાર કરતા વધારે પશુઓને છોડી મુક્યા હતા જેને કારણે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ડીસાના એલિવેટેડ બ્રિજ ઉપર માલધારીઓએ ટાયર સળગાવીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો જેને કારણે ડીસા-રાધનપુર હાઇવેનો એક માર્ગ બંધ કરવામાં આવતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.
બનાસકાંઠામાં સરકાર વિરૂદ્ધ વધુ એક આંદોલન, 80,000 પશુ કોર્ટ-કચેરીના રસ્તે #Banskantha pic.twitter.com/oKX093adzQ
— GujaratExclusive (@GujGujaratEx) September 23, 2022
ગૌ સેવકોએ મંત્રીને ઘેર્યા
ડીસામાં ગૌશાળા- પાંજરાપોળના સંચાલકોએ શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલાનો ઘેરાવ કર્યો હતો. 10 મિનિટ સુધી મંત્રીની ગાડીનો ઘેરાવ કરીને થાળી-વાટકા વગાડીને વિરોધ કર્યો હતો. ગૌ સેવકોના રોષ વચ્ચે પોલીસે બળપ્રયોગ કર્યા બાદ મહામહેનતે મંત્રીને બહાર કાઢ્યા હતા
ગુજરાત માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજી દેસાઈએ કહ્યુ કે, “ગાયો કેમ રોડ ઉપર આવી તેનો જીવતો જાગતો દાખલો આજે ઉત્તર ગુજરાતના ગૌશાળાઓએ બેસાડ્યો છે . જો પાંજરાપોળને 500 કરોડની સહાય આપવાનું કહી ગુજરાત સરકાર ફરી ગઈ તેમ માલધારીઓ પણ ગુજરાત સરકારની બેધારી નીતિ ના ભોગ બન્યા છે. ગુજરાત સરકાર બે પગ વાળા આખલા ગૌચરો ગડી ગયા એટલે માલધારીઓની ગાયો રોડ ઉપર આવી અત્યારે ગાયોના રખેવાળ માલધારીઓ, ગૌશાળા વાળા, પાંજરાપોળની વેદના ગુજરાત સરકાર સાંભળતી નથી.”
આમ આદમી પાર્ટી-કોંગ્રેસે કર્યા પ્રહાર
આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ આ મામલે કહ્યુ કે, ગૌ માતાના નામે વોટ માંગનાર ભાજપે સાધુ સંતોની ધરપકડ કરાવી, બજેટનો એક પણ રૂપિયો સરકારે આપ્યો નથી અને ગૌચરની જમીન ભાજપના મળતિયાઓએ પચાવી પાડી છે. આજે સાબિત થયુ કે ભાજપ હિન્દુ વિરોધી પાર્ટી છે.
ઉલ્લેખનિય છે કે,ભાજપ સરકાર દ્વારા ઘણા સમય પહેલા ગુજરાતની ગૌશાળા માટે 500 કરોડ રૂપિયાની ગ્રાન્ટ જાહેર કરી હતી. પરંતુ જાહેર કરવામાં આવેલી ગ્રાન્ટને અત્યાર સુધી આપવામાં આવી નથી. તેથી ગાય માતાના રખેવાળો ગુસ્સે ભરાયા છે. તેથી બનાસકાંઠાના તમામ ગૌશાળાના રખેવાળોએ ગાયોને રોડ-રસ્તા ઉપર છોડીને પોતાની રજૂઆત આક્રમક રીતે કરવાનું શરૂ કર્યું છે, તેવામાં હવે તે જોવાનું રહેશે કે જેવી રીતે ભૂપેન્દ્ર સરકારે રખડતા પશુ-ધનને લઈને કાયદો પસાર થાય તે પહેલા જ પરત લીધો છે તેવી રીતે સરકાર ગ્રાન્ટ પાસ કરે છે કે નહીં.
Advertisement