મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસે મુંબઈમાં એક ડિઝાઈનર સામે ધમકી આપવા અને કાવતરું ઘડવાનો આરોપ લગાવતા પ્રાથમિક રિપોર્ટ (FIR) નોંધાવી છે. તેમને બ્લેકમેલ કરવા અને ધમકી આપવાના મામલામાં મુંબઈ પોલીસે ઉલ્હાસનગરથી એક વ્યક્તિની અટકાયત કરી છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું મુંબઈ પોલીસે જણાવ્યું હતું.
Advertisement
Advertisement
20 ફેબ્રુઆરીએ મુંબઈના મલબાર હિલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી FIRમાં અમૃતા ફડણવીસે આક્ષેપ કર્યો છે કે વ્યવસાયે ડિઝાઈનર, અનિષ્કા નામની એક મહિલાએ તેમના પિતા એક પોલીસ કેસમાં સંડોવાયેલા છે. તેમાં દરમિયાનગીરી કરવા અને તેમને છોડાવવા માટે રૂ.1 કરોડની લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો. FIRમાં અનિક્ષા અને તેના પિતા બન્નેના નામ આરોપીઓ તરીકે લખવામાં આવ્યા છે. પોલીસે IPCનીકલમ 120-બી (કાવતરું) અને ભ્રષ્ટાચાર અટકયતી કાયદો 1988ની સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે.
પોલીસ રિપોર્ટમાં અમૃતા ફડણવીસે શું કહ્યું ?
મુંબઈ પોલીસને સોંપેલા રિપોર્ટમાં અમૃતા ફડણવીસે કહ્યું કે અનિષ્કાએ કથિત રૂપે નવેમ્બર, 2021માં પહેલી વખત તેમનો સંપર્ક કર્યો હતો અને અનિક્ષા 16 મહિના કરતાં વધુ સમયથી તેમના સંપર્કમાં હતી. પહેલી મુલાકાત પછી અનિષ્કા તેમના નિવાસસ્થાને અવર-જવર કરતી હતી અથવા અમૃતા ફડણવીસ જે ઈવેન્ટમાં જતાં હતા ત્યાં તે પહોંચી જતી હતી. અમૃતાએ કહ્યું કે અનિષ્કાએ 18 અને19 ફેબ્રુઆરીએ એક અજાણ્યા નંબર પરથી પોતાની વીડિયો ક્લિપ્સ, વોઈસ નોટ્સ અને મેસેજિસ મોકલ્યા હતા અને પોતાના પિતા સાથે મળીને તેમની વિરુદ્ધ કાવતરું રચ્યું હતું.
દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું ?
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ અંગે જણાવ્યું હતું કે અનિલ જયસિંઘાણીની પુત્રી અનિષ્કાએ તેમની પત્નીનો સંપર્ક કરીને પોતે એક ડિઝાઈનર હોવાનું જણાવ્યું હતું. તેણે કહ્યું કે તેના પિતાને ખોટાકેસમાં ફસાવવામાં આવ્યા છે. તેથી અમૃતાએ તેને પત્ર લખવા કહ્યું હતું. પરંતુ, તેણે કહ્યું કે તે તેના પિતાને છોડાવવા માટે રૂ.1 કરોડ આપવા તૈયાર છે. ફડણવીસે ઉમેર્યું કે અમૃતાએ તેને બ્લોક કરી દીધી હતી. પરંતુ, અનિલ જયસિંઘાણીએ એક વીડિયો મોકલીને તે વાઈરલ કરવાની ધમકી આપી હતી અને તેની સામે કરાયેલા તમામ કેસ પાછા ખેંચી લેવામાં આવે તેમ કહ્યું હતું. એક વીડિયોમાં અનિષ્કા અમૃતાને હાર પહેરાવી રહી છે, બીજામાં તે બેગમાં પૈસા ભરી રહી છે અને પછી તે બેગ અમૃતાના હાથમાં દેખાય છે. દેવેન્દ્ર ફડણવીસે વધુમાં કહ્યું કે તેમણે આ વીડિયો તપાસ માટે મોકલી દીધો છે.
Advertisement