ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે. આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની નવમી યાદી જાહેર કરી હતી. AAPની નવમી યાદીમાં 10 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.
Advertisement
Advertisement
આમ આદમી પાર્ટીની નવમી યાદી જાહેર
આમ આદમી પાર્ટીએ કલોલ, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, દસાડા, પાલિતાણા, ભાવનગર પૂર્વ, પેટલાદ, નડિયાદ, હાલોલ અને સૂરત પૂર્વ બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.
આમ આદમી પાર્ટીએ કલોલ બેઠક પર કાન્તીજી ઠાકોરને ટિકિટ આપી છે જ્યારે અમદાવાદની દરિયાપુર બેઠક પર તાજ કુરેશી, જમાલપુર-ખાડિયા બેઠક પર હારૂન નાગોરીને ટિકિટ આપી છે. દસાડા બેઠક પર અરવિંદ સોલંકીને ઉમેદવાર બનાવ્યા છે. પાલિતાણા બેઠક પર ડૉ. જેપી ખેનીને ટિકિટ આપવામાં આવી છે.
ભાવનગર પૂર્વ બેઠક પર હમીર રાઠોડને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે જ્યારે પેટલાદ બેઠક પર અર્જૂન ભરવાડને ટિકિટ આપવામાં આવી છે. નડિયાદ બેઠક પર હર્ષદ વાઘેલા, હાલોલ બેઠક પર ભરત રાઠવા અને સૂરત પૂર્વ બેઠક પર કંચન જરીવાલાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
કોંગ્રેસના ગઢમાં ગાબડુ પાડવાની તૈયારી
આમ આદમી પાર્ટીએ જે 10 બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત કરી છે તેમાંથી 5 બેઠક અત્યારે કોંગ્રેસ પાસે છે જ્યારે 5 બેઠક ભાજપ પાસે છે. અમદાવાદની વાત કરીએ તો દરિયાપુર બેઠક પર કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખ ધારાસભ્ય છે જ્યારે જમાલપુર-ખાડિયા બેઠક પર કોંગ્રેસના ઇમરાન ખેડાવાલા ધારાસભ્ય છે. સુરેન્દ્રનગરની દસાડા બેઠક પણ કોંગ્રેસ પાસે છે. દસાડાથી નૌશાદ સોલંકી ધારાસભ્ય છે.
આમ આદમી પાર્ટીએ 118 બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા
આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંથી અત્યાર સુધી 118 બેઠક પર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. આમ આદમી પાર્ટીએ જોકે, હજુ સુધી ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી ક્યાથી ચૂંટણી લડશે તે નક્કી કર્યુ નથી. આમ આદમી પાર્ટીએ 64 બેઠક પર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે.
આ પણ વાંચો: ‘ગુજરાતની જનતા મોટા બદલાવ માટે તૈયાર’, ચૂંટણીની તારીખની જાહેરાત પર કેજરીવાલનું ટ્વીટ
4 નવેમ્બરે મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરશે આમ આદમી પાર્ટી
આમ આદમી પાર્ટી શુક્રવારે ગુજરાતમાં મુખ્યમંત્રી પદના ઉમેદવારના નામની જાહેરાત કરશે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યુ કે પાર્ટી 4 નવેમ્બરે ગુજરાત માટે મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરશે.
ગુજરાતમાં બે તબક્કામાં યોજાશે મતદાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે. ગુજરાતમાં બે તબક્કા 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. 8 ડિસેમ્બરે હિમાચલ પ્રદેશ સાથે જ ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવશે.
Advertisement