ઇઝરાયલ અને હમાસ વચ્ચે ગત 7 ઓક્ટોબરથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. તેની શરૂઆત હમાસ દ્વારા કરવામાં આવી હતી જ્યારે તેણે ઇઝરાયલના ઘણાં સ્થળો પર અચાનક હુમલા કર્યા હતા. હમાસે ઈઝરાયલ પર 5000 થી વધુ રોકેટ છોડ્યા હતા. ત્યારબાદ ઈઝરાયલે પણ વળતી કાર્યવાહી શરૂ કરી હતી. ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકાએ ઈરાન વિરુદ્ધ મોટું પગલું ભર્યું છે. અમેરિકાએ ઈરાનના બેલેસ્ટિક મિસાઈલ અને ડ્રોન કાર્યક્રમોને પહોંચી વળવા માટે નવા પ્રતિબંધોની જાહેરાત કરી છે.
Advertisement
Advertisement
અમેરિકાએ ઈરાન પર પ્રતિબંધો મૂક્યાં
અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ઈરાનની બેલેસ્ટિક મિસાઈલ અને UAV કાર્યક્રમોનો સામનો કરવા માટે અમેરિકા આજે નવા પ્રતિબંધો લાદી રહ્યું છે. તમને જણાવી દઈએ કે અમેરિકાએ ઈરાન પર એવા સમયે પ્રતિબંધો લગાવ્યા છે જ્યારે 2015માં ઈરાનના બેલેસ્ટિક મિસાઈલ અને ડ્રોન કાર્યક્રમો પર સુરક્ષા પરિષદ દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધોનો અંત આવી રહ્યો છે. જો કે તેના અંત પહેલા જ અમેરિકાએ ઈરાન પર નવા પ્રતિબંધોની જાહેરાત કરી છે.
બ્રિટન, ફ્રાન્સ અને જર્મની અગાઉ જાહેરાત કરી ચૂક્યા છે
અગાઉ યુરોપિયન દેશોએ ગયા મહિને એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું. બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીએ ઈરાન પર મિસાઈલ અને પરમાણુ પ્રતિબંધો જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો. અહેવાલ મુજબ એક સંયુક્ત નિવેદનમાં, આ દેશોએ જણાવ્યું હતું કે તેઓ સમજૂતીનું પાલન ન કરવા બદલ ઈરાન પરના તેમના પ્રતિબંધો યથાવત જાળવી રાખશે.
દરમિયાન, ઈઝરાયલની મુલાકાતે ગયેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને સંયુક્ત નિવેદન જારી કરીને કહ્યું કે મોટાભાગના પેલેસ્ટાઈન હમાસ સાથે જોડાયેલા નથી. હમાસ પેલેસ્ટાઈનવાસીઓનું પ્રતિનિધિત્વ કરતું નથી. હમાસ ગાઝામાં નિર્દોષ લોકોનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યું છે, પેલેસ્ટાઈનવાસીઓ પણ ઘણાં પીડિત છે. ગઈકાલે ગાઝાની હોસ્પિટલમાં થયેલા જીવ અને સંપત્તિના ભારે નુકસાનથી હું દુખી હતો. આજે અમને મળેલી માહિતીના આધારે એવું લાગે છે કે ગાઝામાં એક આતંકવાદી જૂથ દ્વારા છોડવામાં આવેલા રોકેટનું પરિણામ છે. અમેરિકા સ્પષ્ટપણે સંઘર્ષ દરમિયાન લોકોના જીવનની સુરક્ષા માટે ઊભું છે.
Advertisement