મણિપુરની રાજધાની ઈમ્ફાલમાં ફરી હિંસા ફાટી નીકળી છે. હકીકતે આ હિંસા બે યુવકોના મોતને કારણે ફાટી નીકળી છે, જે ગુરુવારે પણ ચાલુ રહી હતી. તાજેતરની હિંસામાં, આ હિંસામાં 50 લોકો ઘાયલ થયા છે, જેમાંથી મોટાભાગના શાળાના વિદ્યાર્થીઓ છે. દરમિયાન બે ફોર વ્હીલરને આગ ચાંપી દેવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ગત જુલાઈમાં બે યુવકો ગુમ થયા હતા. તેમના મૃતદેહોની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવ્યા પછી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. પોલીસ આરોપીઓની ઓળખ કરી રહી છે. મંગળવારથી મણિપુરમાં અશાંતિ ફેલાઈ છે અને સમયાંતરે હિંસક ઘટનાઓ બની રહી છે.
Advertisement
Advertisement
સુરક્ષા દળો સાથે દેખાવકારોની અથડામણ
ગત રાત્રે પણ ઉરોપોક, યેસકુલ, સગોલબંદ અને તેરા વિસ્તારોમાં સુરક્ષા દળો સાથે દેખાવકારોની અથડામણ થઈ હતી. સુરક્ષાકર્મીઓએ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સંખ્યાબંધ શેલ છોડ્યા હતા. સુરક્ષા દળોએ જ્યારે રહેણાંક વિસ્તારોમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો ત્યારે દેખાવકારોએ ટાયર સળગાવીને અને લોખંડની પાઈપો મૂકીને તેમનો રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો. ઇમ્ફાલમાં પણ લોકોના ટોળાએ ડીસી ઓફિસમાં તોડફોડ કરી અને ત્યાં અનેક વાહનોને આગ ચાંપી દીધી.
ઇમ્ફાલના પૂર્વ અને પશ્ચિમી જિલ્લામાં કર્ફ્યુ લાદી દેવાયો
મંગળવારથી મણિપુરમાં અશાંતિ ફેલાઈ છે અને સમયાંતરે હિંસક ઘટનાઓ બની રહી છે. મણિપુરમાં વણસેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને વહીવટીતંત્ર દ્વારા ઇમ્ફાલના પૂર્વ અને પશ્ચિમી જિલ્લામાં તાત્કાલિક કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. સરકારે રાજ્યના અધિકારક્ષેત્રમાં VPN મારફતે મોબાઈલ ઈન્ટરનેટ ડેટા સેવાઓને તાત્કાલિક અસરથી 1 ઓક્ટોબર સુધી સ્થગિત કરવાનો પણ નિર્ણય લીધો છે.
મણિપુર બાળ આયોગની અપીલ
દરમિયાન, મણિપુર કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સે સુરક્ષા દળોને કિશોરો સામે લાઠીચાર્જ અને રબરની ગોળીઓનો મનસ્વી રીતે ઉપયોગ ન કરવા અનુરોધ કર્યો છે. મંગળવારે ફાટી નીકળેલી હિંસામાં 65 વિરોધીઓ ઘાયલ થયા હતા. થોબલ જિલ્લાના ખોંગજામ ખાતે પણ બીજેપીના કાર્યાલયને આગ ચાંપવામાં આવી હતી. અન્ય એક ઘટનામાં લોકોના ટોળાએ પોલીસ વાહનને નિશાન બનાવીને આગ ચાંપી હતી. તે દરમિયાન એક પોલીસકર્મીને માર મારવામાં આવ્યો હતો અને તેનું હથિયાર છીનવી લેવાયું હતું.
ઉલ્લેખનીય છે કે મણિપુર સરકારે બુધવારે સમગ્ર રાજ્યમાં આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર્સ એક્ટ (AFSPA) હેઠળ છ મહિના માટે લંબાવ્યો છે. પ્રવર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે AFSPA લંબાવ્યો છે. જો કે, રાજધાની ઇમ્ફાલ સહિત 19 પોલીસ સ્ટેશનોના અધિકારક્ષેત્ર હેઠળના વિસ્તારોમાં આ સ્થિતિ લાગુ કરવામાં આવશે નહીં.
Advertisement