મણિપુરના ઈમ્ફાલમાં પાંચ યુવકોની ધરપકડના વિરોધમાં મૈતેઈ સમુદાયના મહિલા સંગઠન મીરા પાઈબી અને અન્ય પાંચ સંગઠનોએ 48 કલાકના બંધનું એલાન આપ્યું છે. આ બંધનો અમલ સોમવારે મધરાતથી ચાલી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુવકોની હથિયાર લઈ જવા અને યુનિફોર્મ પહેરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. આ સંગઠનો તેમને છોડી મૂકવાની માંગ કરી રહ્યું છે. બંધ દરમિયાન મંગળવારે બજારો બંધ રહ્યાં હતા અને વાહનોની અવરજવર ઓછા જોવા મળી હતી.
Advertisement
Advertisement
શાળાની પરીક્ષાઓ રદ કરવામાં આવી
અહેવાલો અનુસાર, બંધને ધ્યાનમાં રાખીને, મણિપુર બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની મંગળવાર અને બુધવારે યોજાનારી તમામ વિષયોની ધોરણ 10 ની પૂરક પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી હતી. આ પરીક્ષાનું આયોજન પછીની તારીખો પર કરવામાં આવશે. સંગઠનોએ બજારમાં દુકાનો બંધ રાખવાનો અનુરોધ કર્યો છે અને લોકોને બંધને સમર્થન આપવા માટે અપીલ કરી છે. તેમણે અનેક મુખ્ય રસ્તાઓને બ્લોક પણ કરી દીધા છે.
શું છે મામલો?
મણિપુર પોલીસે શનિવારે અત્યાધુનિક હથિયારો રાખવા બદલ અને નકલી યુનિફોર્મ પહેરવાના આરોપસર પાંચ લોકોની ધરપકડ કરી હતી. પોલીસનું કહેવું છે કે પાંચેય આરોપીઓને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને પછી તેમને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. આ યુવકોને છોડી મૂકવાની માગણી સાથે પ્રદર્શનકારીઓએ શનિવારે પોરોમ્પૈટ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો, જેના પગલે સુરક્ષા દળોએ ટીયર ગેસના અનેક રાઉન્ડ છોડવા પડ્યા હતા.
4 મહિનામાં રાજ્યમાં 175 લોકો માર્યા ગયા
મણિપુરમાં ચાર મહિના પહેલા શરૂ થયેલી વંશીય હિંસા હજુ પણ અટકવાનું નામ લઈ રહી નથી. દરમિયાન, પોલીસ મહાનિરીક્ષક (ઓપરેશન્સ) આઇકે મુઇવાએ તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે આ ચાર મહિનામાં રાજ્યમાં 175 લોકો માર્યા ગયા, 1108 ઘાયલ થયા અને 32 ગુમ થયા. આ સિવાય તેમણે કહ્યું કે આ સમયગાળા દરમિયાન 4,786 ઘરોને આગ લગાડી દેવામાં આવી હતી અને 386 ધાર્મિક ઈમારતોને તોડી પાડવામાં આવી હતી.
Advertisement