એશિયા કપ 2023ની ફાઈનલ મેચમાં મોહમ્મદ સિરાજે ખૂબ જ વેધક અને ઘાતક બોલિંગ કરી હતી. સિરાજે શ્રીલંકન ટીમના ટોપ ઓર્ડરને ધ્વસ્ત કરી દીધો હતો. સિરાજના ડ્રીમ ઓપનિંગ સ્પેલની મદદથી ભારતે શ્રીલંકાને 50 રનમાં આઉટ કરી દીધું હતું. સિરાજે વેધક બોલિંગ કરતા 6 વિકેટ ઝડપી હતી. ત્યાર બાદ જાણીતા ભારતીય બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ સિરાજની બોલિંગના વખાણ કરતી એક પોસ્ટ શેર કરી છે. આનંદ મહિન્દ્રાની આ પોસ્ટ પર એક પ્રશંસકે તેમને સિરાજને એસયુવી આપવાની વિનંતી કરી છે. તેના પર આનંદ મહિન્દ્રાએ આપેલો જવાબ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
Advertisement
Advertisement
આનંદ મહિન્દ્રાએ સિરાજની પ્રશંસા કરી
અગ્રણી ભારતીય ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ એક્સ (પહેલાનું ટ્વિટર) પર સિરાજના વખાણ કરતા ટ્વીટ શેર કર્યું અને લખ્યું, ‘મને નથી લાગતું કે મેં આપણા હરિફો માટે આ પહેલાં ક્યારેય આવું અનુભવ્યું હોય… આ તો એવું લાગે છે કે જાણે આપણે તેમના પર કોઈ અલૌકિક શક્તિ લાગુ કરી દીધી છે… મોહમ્મદ સિરાજ, તમે એક માર્વેલ એવેન્જર છો.
પ્રશંસકે આનંદ મહિન્દ્રાને અપીલ કરી
આનંદ મહિન્દ્રાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ દરમિયાન, આ જ પોસ્ટ પર એક ચાહકે લખ્યું, ‘સર સિરાજને એક SUV ગિફ્ટ કરો’, મહિન્દ્રાએ તેનો જવાબ આપતાં લખ્યું, ‘તે પહેલેથી જ આપી દેવામાં આવી છે.’
તમને જણાવી દઈએ કે આનંદ મહિન્દ્રાએ વર્ષ 2021માં સિરાજને એક SUV ગિફ્ટ કરી હતી. એશિયા કપ 2023ની ફાઇનલમાં સૌથી ઝડપી 5 વિકેટ લેવાના મામલે સિરાજે શ્રીલંકાના બોલર ચમિંડા વાસની બરાબરી કરી લીધી છે. ચમિંડા વાસે વર્લ્ડ કપ 2003માં 16 બોલમાં 5 વિકેટ ઝડપી હતી.
Advertisement