નવી દિલ્હીઃ જી-20 સમિટમાં ભાગ લેવા આવેલા કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોના વિમાનમાં સમિટ બાદ ખામી સર્જાઈ હતી. તેના કારણે તેઓ ભારતમાં ફસાઈ ગયા હતા. જોકે, આજે કેનેડાના વડાપ્રધાન ટ્રુડો અને તેમનું પ્રતિનિધિમંડળ આખરે તેમના દેશ જવા રવાના થઈ ગયું છે. આ સાથે કેનેડાના વડાપ્રધાન કાર્યાલયના પ્રેસ સચિવ મોહમ્મદ હુસૈને કહ્યું હતું કે વિમાનની ટેકનિકલ સમસ્યા દૂર થઈ ગઈ છે અને તેને ટેકઓફની પરવાનગી આપી દેવામાં આવી છે. કેનેડાના પીએમનું વિમાન મંગળવારે બપોરે નવી દિલ્હી એરપોર્ટ પરથી ઉપડ્યું હતું.
Advertisement
Advertisement
51 વર્ષીય જસ્ટિન ટ્રુડોના એરબસ પ્લેનમાં ખામીને કારણે જી-20 સમિટ પછી છેલ્લાં બે દિવસથી ભારતમાં અટવાયેલા રહ્યા હતા. સોમવારે, ભારતમાં ફસાયેલા કેનેડાના વડા પ્રધાને રાજધાનીની લલિત હોટેલમાં તેમના રૂમમાં જ રોકાયેલા રહેવાનું નક્કી કર્યું. કેનેડિયન પીએમના જે વિમાનમાં ખામી સર્જાઈ હતી તે CC-150 પોલારિસ છે. કેનેડાના સશસ્ત્ર દળો તેના VIPને માટે તેનો ઉપયોગ કરે છે. તે ઘણાં સુધારાવધારા સાથેના એરબસ A310-300 પૈકીનું એક છે.
કેનેડાના વડાપ્રધાનના વિમાનમાં ટેક્નિકલ ખામીના મામલે એક નવું અપડેટ સામે આવ્યું છે. કેનેડાના વડાપ્રધાન કાર્યાલયના પ્રેસ સચિવ મોહમ્મદ હુસૈને કહ્યું છે કે વિમાનની ટેકનિકલ સમસ્યા દૂર થઈ ગઈ છે અને તેને ટેકઓફની મંજૂરી આપવામાં આવી છે. ત્યારબાદ કેનેડિયન પ્રતિનિધિમંડળ મંગળવારે બપોરે તેમના દેશ જવા રવાના થયું હતું.
અગાઉ એવા સમાચાર હતા કે કેનેડાના પીએમને ભારતથી પરત લેવા આવનારા વૈકલ્પિક વિમાનને પણ ભારત પહોંચવામાં મોડું થઈ શકે તેમ છે. સીબીસી ન્યૂઝ અનુસાર, કેનેડાથી આવતા ટ્રુડોના વૈકલ્પિક વિમાનને પણ લંડન તરફ વાળવામાં આવ્યું હતું, જેના કારણે તેમને સ્વદેશ પરત ફરવામાં વધુ વિલંબ થવાની શક્યતા વધી ગઈ હતી. રિપોર્ટ અનુસાર રોમ થઈને દિલ્હી આવી રહેલા વિમાનને લંડન તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું.
દરમિયાન, સોમવારે પીએમ ટ્રુડોએ ભારત સરકારના કોઈપણ અધિકારી સાથે કોઈ સત્તાવાર મુલાકાત કરી ન હતી. વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી કે તેમને અન્ય કોઈ સત્તાવાર વ્યસ્તતાઓ માટે કોઈ વિનંતી મળી ન હતી. ટ્રુડોને રિસીવ કરવા માટે નિયુક્ત રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરની ઓફિસે પણ પુષ્ટિ કરી કે તેમની ફરજ માત્ર કેનેડાના વડા પ્રધાનના આગમન પર તેમને એરપોર્ટ પર આવકારવાની હતી. સ્થાનિક હાઈ કમિશનમાં પણ કોઈ કાર્યક્રમના કોઈ સંકેત મળ્યા નથી.
Advertisement