ભારતના ટોચના વકીલ અને ભૂતપૂર્વ સોલિસિટર જનરલ હરીશ સાલ્વેએ ફરી લગ્ન કરી લીધાં છે. સમાચાર અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે 68 વર્ષીય સાલ્વેએ તાજેતરમાં લંડનમાં એક ભવ્ય લગ્ન સમારંભમાં ત્રિના સાથે લગ્ન કર્યા હતા. આ પ્રસંગે નીતા અંબાણી, લલિત મોદી, ઉજ્જવલા રાઉત અને અન્ય લોકો હાજર રહ્યા હતા. આ લગ્ન સમારોહના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા હતા.
Advertisement
Advertisement
જૂન 2020માં પહેલી પત્નીથી અલગ થયા
એડવોકેટ સાલ્વે અગાઉ મીનાક્ષીને પરણ્યા હતા. તે તેમની પ્રથમ પત્ની હતી. બંનેનું લગ્ન જીવન 38 વર્ષ સુધી ચાલ્યું હતું, પરંતુ જૂન 2020માં બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો. મીનાક્ષી અને સાલ્વેની બે દીકરીઓ પણ છે જેમનું નામ સાક્ષી અને સાનિયા છે. પહેલી પત્નીથી અલગ થયા બાદ સાલ્વેએ બ્રિટિશ કલાકાર કેરોલીન બ્રોસાર્ડ સાથે વર્ષ 2020માં બીજા લગ્ન કર્યા હતા. આ બીજા લગ્નના ત્રણ વર્ષ બાદ હરીશ સાલ્વેએ ત્રીજા લગ્ન કરી લીધા છે.
કુલભૂષણ જાધવ સહિત ઘણાં હાઈ પ્રોફાઈલ કેસ લડ્યા
સુપ્રીમ કોર્ટના વકીલ હરીશ સાલ્વે પાકિસ્તાની સૈન્ય કોર્ટ તરફથી મોતની સજા પામેલા કુલભૂષણ જાધવ, બોલીવૂડના સ્ટાર સલમાન ખાનનો હિટ એન્ડ રન અને ડ્રીંક એન્ડ ડ્રાઈવ કેસ સહિત ઘણાં હાઈ પ્રોફાઈલ કેસોનો ભાગ રહી ચુક્યા છે. તેમના અગ્રણી ક્લાયન્ટ્સમાં ટાટા ગ્રુપ, મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ITC જેવા મોટા ગ્રુપનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે કુલભૂષણ જાધવના કેસમાં તેમણે તેમની લીગલ ફી તરીકે માત્ર એક રુપિયો લીધો હતો, તે બદલ તેમની ખૂબ પ્રશંસા પણ થઈ હતી.
સાલ્વે નવેમ્બર 1999થી નવેમ્બર 2002 સુધી ભારતના સોલિસિટર જનરલ પણ રહી ચુક્યા છે. જાન્યુઆરીમાં વેલ્સ અને ઇંગ્લેન્ડની કોર્ટ્સ માટે તેમને ક્વિનના સલાહકાર પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા. સાલ્વેએ નાગપુર યુનિવર્સિટીમાંથી એલએલબીનો અભ્યાસ કર્યો છે. ભારતના સોલિસિટર જનરલ તરીકે નિયુક્ત થયા પહેલા 1992માં તેઓ દિલ્હી હાઈકોર્ટમાં વરિષ્ઠ વકીલ તરીકે નિયુક્ત થયા હતા.
Advertisement