ચંદ્રયાન-3ની ઐતિહાસિક સફળતા બાદ ભારત સૂર્ય મિશન આદિત્ય-L1 લોન્ચ કરવા માટે તૈયાર છે. ઈસરોના વડા એસ સોમનાથે જણાવ્યું હતું કે આજથી આદિત્ય-એલ1ના પ્રક્ષેપણનું કાઉન્ટડાઉન શરૂ થશે. તેમણે ઉમેર્યું કે આદિત્ય L1 ઉપગ્રહ સૂર્યનો અભ્યાસ કરવા માટે છે. તેને L1 પોઈન્ટ સુધી પહોંચવામાં 125 દિવસ લાગશે. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રક્ષેપણ છે. ઈસરોના વડા સોમનાથે ઉમેર્યુ કે અમે હજુ ચંદ્રયાન-4 અંગે કોઈ નિર્ણય લીધો નથી. અમે ટૂંક સમયમાં જ તેની જાહેરાત કરીશું. આદિત્ય L1 પછી અમારું આગામી પ્રક્ષેપણ ગગનયાન ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધીમાં હશે.
Advertisement
Advertisement
દરમિયાન, ભારતની સાથે સાથે આ સૂર્ય મિશન અંગે સમગ્ર વિશ્વમાં રસ વધ્યો છે. લોકો આ મિશનનું લોન્ચિંગ જોવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આદિત્ય-એલ1ના લોન્ચિંગનું કાઉન્ટડાઉન શુક્રવારથી શરૂ થઈ રહ્યું છે. આ મિશનને આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી આવતીકાલે 2 સપ્ટેમ્બરને શનિવારે સવારે 11.50 વાગ્યે લોન્ચ કરાશે.
#WATCH | ISRO chief S Somanath says "Today the countdown of Aditya L1 is starting and it will launch tomorrow around 11.50 am. Aditya L1 satellite is for studying our Sun. It will take another 125 days to reach the L1 point. This is a very important launch. We have not yet… pic.twitter.com/zdZn0g8LI0
— ANI (@ANI) September 1, 2023
રોકેટ લોન્ચ ક્યાં જોઈ શકાશે ?
ઈસરોએ આદિત્ય એલ-1નું લોન્ચિંગ દુનિયાને બતાવવા માટે ખાસ વ્યવસ્થા કરી છે. તેની વેબસાઈટ પર, સંસ્થાએ દર્શકોને શ્રીહરિકોટામાં આવેલા કેન્દ્રથી આદિત્ય L-1નું લાઈવ લોન્ચ જોવા માટે વ્યુ ગેલેરીની સીટો બુક કરાવવાનો વિકલ્પ આપ્યો હતો. જો કે, તેના માટે માત્ર સીમિત સીટો હતી, જે રજીસ્ટ્રેશન શરૂ થયા બાદ ભરાઈ ગઈ હતી.
એટલું જ નહીં, ISROની વેબસાઈટ isro.gov.in પર જઈને દર્શકો આદિત્ય એલ-1ના લોન્ચનું જીવંત પ્રસારણ જોઈ શકશે અને પળેપળની અપડેટ્સ મેળવી શકશે. આ ઉપરાંત, યુઝર્સ ઈસરોની વેબસાઈટ અને યુટ્યુબ ચેનલ પર પણ લોન્ચને લાઈવ સ્ટ્રીમ કરી શકે છે.
ભારતનું આ મિશન કેટલું મુશ્કેલ હશે ?
પ્રાપ્ત માહિતી અનુસાર, આદિત્ય-L1 અંતરિક્ષયાન સૌર કોરોના (સૂર્યના સૌથી બહારના સ્તરો)ના દૂરથી અવલોકન માટે અને L-1 (સૂર્ય-પૃથ્વી લેગ્રેંજિયન બિંદુ) પર સૌર પવનના યથાસ્થિતિ અવલોકન માટે બનાવવામાં આવ્યું છે. L-1 પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર છે.
આ મિશનથી શું ફાયદો થશે ?
ઈસરોના મતે સૂર્ય આપણી સૌથી નજીકનો તારો છે. તારાઓના અભ્યાસમાં તે આપણને સૌથી વધુ મદદ કરી શકે છે. તેનાથી પ્રાપ્ત માહિતી અન્ય તારા, આપણી આકાશગંગા અને ખગોળવિજ્ઞાનના ઘણાં રહસ્યો અને નિયમોને સમજવામાં મદદ કરશે. સૂર્ય આપણી પૃથ્વીથી લગભગ 15 કરોડ કિમી દૂર છે. જોકે, આદિત્ય L1તો આ અંતરના માત્ર એક ટકાને જ કવર કરી રહ્યું છે, પરંતુ આટલું અંતર કાપ્યા પછી પણ તે આપણને સૂર્ય વિશે એવી ઘણી માહિતી આપશે, જે પૃથ્વી પરથી જાણવી શક્ય નથી.
ઈસરોની ટીમે તિરુપતિ ખાતે દર્શન કર્યા
દરમિયાન, ભારતના પ્રથમ સૌર મિશનના પ્રક્ષેપણ અગાઉ, ઈસરોના વૈજ્ઞાનિકોએ ભગવાન વેંકટેશ્વરના દર્શન કરીને તેમના આશીર્વાદ લીધા હતા. ઈસરોના વૈજ્ઞાનિકોની એક ટીમે શુક્રવારે આદિત્ય-L1ના નાના મોડલ સાથે આંધ્રપ્રદેશના તિરુમાલા શ્રી વેંકટેશ્વર મંદિરના દર્શને પહોંચી હતી. આદિત્ય-એલ1ને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્પેસ પોર્ટથી લોન્ચ કરવામાં આવશે.
Advertisement