હરિયાણાના નૂંહમાં આજે ફરી તંગદિલીભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી) એ આજે પણ બ્રજમંડળ જળાભિષેક યાત્રા (શોભા યાત્રા) કાઢવાની જાહેરાત કરી છે. પરંતુ જિલ્લા વહીવટીતંત્રે તેને મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે. વીએચપીએ દાવો કર્યો હતો કે ધાર્મિક કાર્યક્રમોના આયોજન માટે અમને કોઈની પરવાનગીની જરૂર નથી. તેના કારણે પરિસ્થિતિ તણાવપૂર્ણ બની છે અને તેના કારણે ફરી હિંસા થવાની સંભાવના છે.
Advertisement
Advertisement
નૂંહ અને પલવલમાં કલમ 144 લાગુ
આ દરમિયાન જિલ્લા વહીવટી તંત્રે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દીધી છે. નૂંહ અને પલવલમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. ગુરુગ્રામ, રેવાડી, ફરીદાબાદ વગેરે જેવા પડોશી જિલ્લાઓમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નૂંહની તમામ સીમાઓ સીલ કરી દેવામાં આવી છે જેથી કોઈ બહારની વ્યક્તિ અહીં આવી ન શકે.
મુખ્યમંત્રી ખટ્ટરે અપીલ કરી
બીજી બાજુ, હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરે લોકોને અપીલ કરી છે કે તેઓ શ્રાવણના છેલ્લાં સોમવારે ભગવાન ભોલેનાથના મંદિરમાં જઈને પૂજા કરે અને જળાભિષેક વગેરે કરે. કાયદો અને વ્યવસ્થા જાળવવી એ સૌની જવાબદારી છે. કોઈ પણ વ્યક્તિએ એવું કોઈ કૃત્ય કરવું નહીં જે કાયદો અને વ્યવસ્થામાં અડચણ ઊભી કરે અને જનતાને મુશ્કેલી ઊભી થાય.
પોલીસની 10 કંપની અને અર્ધલશ્કરી દળોની 20 કંપનીઓ તૈનાત
વિશ્વ હિંદુ પરિષદની આજે ફરીથી નૂંહમાં બ્રજમંડળ જળાભિષેક યાત્રાની જાહેરાતને લીધે જિલ્લા વહીવટીતંત્ર એક્શન મોડમાં આવ્યું છે. પોલીસની 10 કંપનીઓ અને અર્ધલશ્કરી દળોની 20 કંપનીઓ પહેલેથી જ તૈનાત છે. બે હજાર વધારાના પોલીસકર્મીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસની રેપિડ એક્શન ફોર્સ અને મહિલા ટુકડી તમામ પોઈન્ટ પર તૈનાત કરવામાં આવી છે. અન્ય જિલ્લાઓમાં પણ શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે અને નૂહ સાથેની સરહદો સીલ કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, 31 જુલાઈના રોજ નૂંહમાં બ્રજ મંડળ યાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા નૂંહના નલહેશ્વર મંદિરથી શરૂ થઈ હતી અને ફિરોઝપુર જીરકા થઈને પુન્હા સબ-ડિવિઝનના સિંગર ગામમાં શિવ મંદિરે પૂરી થવાની હતી. પરંતુ તે પહેલાં જ યાત્રા દરમિયાન હિંસા ફાટી નીકળી હતી.
Advertisement