દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં ચાલી રહેલા બ્રિક્સ શિખર સંમેલનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ બેઠક દરમિયાન થયેલી ચર્ચા પર ભારતનું વલણ રજૂ કર્યું હતું. પીએમ મોદી કહ્યું હતું કે બ્રિક્સના વિસ્તરણ પર ભાગીદાર દેશો વચ્ચે સહમતિ સધાઈ છે. આર્જેન્ટિના અને સાઉદી અરેબિયા સહિત છ દેશોને બ્રિક્સમાં નવા કાયમી સભ્યો તરીકે સામેલ કરવામાં આવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત આ પગલાંનું સમર્થન કરે છે.
Advertisement
Advertisement
20મી સદીમાં વૈશ્વિક સંસ્થાઓ માટે ઉદાહરણ
બ્રિક્સ શિખર સંમેલનને સંબોધતાં વડા પ્રધાને કહ્યું કે ‘મને ખુશી છે કે આ ત્રણ દિવસીય બેઠકના ઘણાં સકારાત્મક પરિણામો સામે આવ્યા છે. આપણે બ્રિક્સની 15મી વર્ષગાંઠ પર વિસ્તરણ કરવાનો નિર્ણય લીધો છે. ભારતે હંમેશા બ્રિક્સના સભ્યપદની બાબતે સંપૂર્ણ સમર્થન આપ્યું છે. આજે અમે આર્જેન્ટિના, ઇજિપ્ત, સાઉદી અરેબિયા, ઇરાન, ઇથોપિયા અને યુએઈને બ્રિક્સમાં આવકારવા સંમત થયા છીએ.
પીએમ મોદીએ બ્રિક્સ શિખર સંમેલનને સંબોધતા વધુમાં કહ્યું, ‘બ્રિક્સમાં ભાગીદાર દેશો તરીકે જોડાવવાની ઈચ્છા વ્યક્ત કરનારા અન્ય દેશોને ભારત સંમતિ આપશે. બ્રિક્સનું આધુનિકીકરણ અને વિસ્તરણ એ વાતનો સંદેશ છે કે વિશ્વની તમામ સંસ્થાઓએ બદલાતા સમયના સંજોગોને અનુરૂપ થવું જોઈએ. આ એક એવી પહેલ છે જે 20મી સદીમાં સ્થાપિત અન્ય વૈશ્વિક સંસ્થાઓ માટે ઉદાહરણ બની શકે છે.
ચંદ્રયાન-3 વિશે અભિનંદન બદલ સૌનો આભાર
પીએમ મોદીએ તેમના સંબોધનમાં ચંદ્રયાન-3 મિશન વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે ગઈકાલે ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું. આ માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિક સમુદાય માટે એક સિદ્ધિ છે. પીએમ મોદીએ કહ્યું કે ભારતે જ્યાં લક્ષ્ય રાખ્યું હતું ત્યાં જ ઉતરાણ કર્યું. અમે લેન્ડરને એક સખત સપાટી પર સફળતાપૂર્વક ઉતરાણ કરાવ્યું. ભારતના વૈજ્ઞાનિકો માટે આ એક મોટી સિદ્ધિ છે. દુનિયાભરમાંથી અમને અભિનંદનના સંદેશા મળ્યા છે. તેના માટે હું મારા વૈજ્ઞાનિકો અને દેશવાસીઓ તરફથી તમારો આભાર માનું છું.
Advertisement