પાકિસ્તાની સીમા હૈદરની જેમ અન્ય એક પરિણીત મહિલા પણ સરહદ પાર કરીને ભારત પહોંચી હતી. આ વખતે પણ પ્રેમી ભારતનો છે પણ પ્રેમિકા કોઈ બીજા દેશની છે. પોલેન્ડની મહિલા બાર્બરા પોલાક પોતાના પ્રેમને ખાતર અનેક દેશોની સરહદો પાર કરીને પોતાના પ્રેમી સાદાબ મલિકને મળવા ઝારખંડના હજારીબાગના ખુતરા ગામ પહોંચી ગઈ છે. બાર્બરા પોલાકને વર્ષ 2021માં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર સાદાબ સાથે મિત્રતા થઈ હતી. બંને વચ્ચે સતત ચેટિંગ ચાલતું રહ્યું અને ધીરે ધીરે આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી. 49 વર્ષની બાર્બરા અને 35 વર્ષના સાદાબ વચ્ચે પ્રેમ એટલો વધી ગયો કે તેણે ભારત આવવા વિઝા માટે અરજી કરી. લાંબી કાનૂની પ્રક્રિયા બાદ તેને પાંચ વર્ષ માટે ભારત આવવા માટે વિઝા મળ્યા છે. વિઝા મળ્યા બાદ વિદેશી મહિલા ભારત પહોંચી અને સાદાબને મળી. ત્યારબાદ તે સાદાબ સાથે હજારીબાગ આવી ગઈ છે.
Advertisement
Advertisement
પોલેન્ડની બાર્બરા ગરમીથી પરેશાન
ઘણાં દિવસો સુધી હોટલમાં રોકાયા બાદ તે પાંચ દિવસ પહેલા તેના પ્રેમી સાથે ખુતરા ગામે પહોંચી હતી. સાદાબના ઘરે પહોંચ્યા બાદ વિદેશી મહિલાએ ગરમીના કારણે બે એસી અને એક કલર ટીવી લગાવડાવ્યું છે. તેણે કહ્યું કે ભારત ખૂબ જ સુંદર દેશ છે, અહીંના લોકો પણ સારા છે. હું સાદાબ વિના જીવી શકતી નથી, પરંતુ જ્યારે અહીં સાદાબના ઘરે ઘણાં લોકો ભેગા થાય છે, ત્યારે અમને અસ્વસ્થતા અનુભવાય છે. તેણે ઘરનું કામકાજ જાતે જ કરવાનું શરૂ કરી દીધું છે, ગામમાં એક વિદેશી મહિલા આવવાની જાણ થતાં તેને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી છે.
પોલીસે મહિલાની પૂછપરછ કરી
મામલાની માહિતી મળતાંની સાથે જ પોલીસ અધિકારીઓએ તરત જ મામલાની નોંધ લીધી હતી અને હજારીબાગ હેડક્વાર્ટરના ડીએસપી રાજીવ કુમાર, પેલાવલ ઓપીના ઈન્ચાર્જ અભિષેક કુમાર સિંહ ખુતરા ગામે પહોંચ્યા હતા અને પોલેન્ડની મહિલાની પૂછપરછ કરી હતી. આ ક્રમમાં તેણે પોલીસ અધિકારીઓને પોતાના વિઝા બતાવ્યા અને કહ્યું કે તે મોહમ્મદ સાદાબ મલિકને પ્રેમ કરે છે. આ સાથે તેણે એમ પણ કહ્યું કે તે હાલ ટુરિસ્ટ વિઝા પર ભારતમાં છે અને થોડાં દિવસો પછી પાછી જતી રહેશે.
પોલેન્ડમાં બાર્બરાનું ઘર અને નોકરી પણ છે
મહિલાની સાથે તેની 6 વર્ષની પુત્રી આનિયા પોલજા પણ છે. બાર્બરા પોલેન્ડની ભાષા પોલિશ બોલે છે અને અંગ્રેજી પણ બોલે છે. સાદાબ તેનો અનુવાદ કરીને સમજાવે છે. મીડિયા સાથે વાત કરતાં બાર્બરાએ કહ્યું કે સાદાબ મારો મિત્ર છે અને હું તેને મારા દિલના ઊંડાણથી પ્રેમ કરું છું. પોલેન્ડમાં તેની પાસે તેનું પોતાનું ઘર, કાર અને નોકરી પણ છે. તે સાદાબને પોલેન્ડના વિઝા અપાવીને પોલેન્ડ લઈ જવાનો પ્રયાસ કરી રહી છે જેથી તે સારું જીવન જીવી શકે. સાદાબના હજુ લગ્ન થયા નથી. તે કહે છે કે પ્રેમમાં ઉંમરનો કોઈ ફરક નથી પડતો. મને ખુશી છે કે બાર્બરા મારી મિત્ર છે અને હવે પાર્ટનર બનવા પણ તૈયાર છે.
Advertisement