ચાર દિવસના તોફાનો બાદ અસામાજિક તત્વો ફરી એકવાર ગુરુગ્રામમાં શાંતિપૂર્ણ માહોલ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. સોમવારે રાત્રે, સેક્ટર પાંચ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સીઆરપીએફ ચોક નજીક મટનની એક દુકાન પર તોફાનીઓએ ફરી એકવાર પથ્થરમારો કર્યો હતો. તેના કારણે થોડો સમય પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. પથ્થરમારાના કારણે દુકાનના માલિક મોહમ્મદ જાવેદને સામાન્ય ઈજા થઈ છે.
Advertisement
Advertisement
પીડિતે તોફાનીઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. મૂળ બિહારના બેગુસરાય જિલ્લાના મોહમ્મદ જાવેદે ફરિયાદમાં જણાવ્યું હતું કે તે શીતલા કોલોની પાસે ભાડાના મકાનમાં રહે છે અને સીઆરપીએફ ચોક પાસે ભાડેથી મટનની દુકાન ચલાવે છે. સોમવારે રાત્રે આઠ કલાકે તેઓ પોતાની દુકાનની અંદર કામ કરી રહ્યા હતા ત્યારે બહારથી પથ્થરમારો થતાં તેમની દુકાનની બારીના કાચ તૂટી ગયા હતા. તેઓ જ્યારે બહાર ગયા તો તેમણે જોયું કે માસ્ક પહેરેલા દસથી બાર યુવકો તેમની દુકાન પર પથ્થરમારો કરી રહ્યા હતા. તેમનો અવાજ સાંભળીને આસપાસના લોકો ત્યાં પહોંચ્યા, ત્યારબાદ આરોપીઓ ત્યાંથી ભાગી ગયા. જોકે, પોલીસે આ મામલો સાંપ્રદાયિક હિંસા સાથે જોડાયેલો હોવાનો ઇનકાર કર્યો છે.
જાવેદની ફરિયાદ બાદ, સોમવારે મોડી રાત્રે સેક્ટર 5 પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 323 (નુક્સાન પહોંચાડવા), 147 (તોફાન કરવું), 149 (ગેરકાયદેસર સભા), 427 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે તેઓ શકમંદોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં જ હુમલાખોરોની ધરપકડ કરવામાં આવશે.
કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે
બીજી તરફ, હરિયાણા કોંગ્રેસના અધ્યક્ષ ચૌધરી ઉદયભાનની આગેવાની હેઠળ પક્ષના વરિષ્ઠ નેતાઓનું એક પ્રતિનિધિમંડળ હિંસાથી પ્રભાવિત પીડિતો અને વિસ્તારના લોકોને મળવા માટે આજે નૂંહની મુલાકાત લેશે. આ પ્રતિનિધિમંડળમાં પૂર્વ સીએમ અને વિપક્ષના નેતા ભૂપિન્દર સિંહ હુડ્ડા પણ હાજર રહેશે. કોંગ્રેસના પ્રતિનિધિમંડળની આ મુલાકાત અંગે નૂંહ એસપી નરેન્દ્ર બિજારણિયાએ જણાવ્યું હતું કે જિલ્લામાં કલમ 144 લાગુ થવાને કારણે પરવાનગી આપવામાં આવી નથી. વહીવટીતંત્ર પીડિતોની મદદ માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યું છે. રાજકીય પ્રવાસ હશે તો વહીવટીતંત્રના કામમાં વધારો થશે. સ્થિતિ સામાન્ય થવા તરફ આગળ વધી રહી છે. કોઈપણ વિક્ષેપને રોકવા માટે, પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય થઈ જાય પછી તેઓ તેમની મુલાકાત હાથ ધરે તેવો અમારો તેમને અનુરોધ છે.
Advertisement