મણિપુરમાં છેલ્લાં ત્રણ મહિનાથી હિંસા ચાલી રહી છે. આજે બિષ્ણુપુર જિલ્લાના કાંગવાઈ અને ફૌગાકચાઓ વિસ્તારોમાં અથડામણ બાદ સૈન્ય અને રેપિડ એક્શન ફોર્સે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. તેમાં 17 લોકો ઘાયલ થયા હતા. ઇમ્ફાલમાં સાવચેતીના પગલા તરીકે ફરી કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇમ્ફાલ પૂર્વ અને ઇમ્ફાલ પશ્ચિમના જિલ્લા મેજિસ્ટ્રેટોએ કર્ફ્યુના અમલમાં અપાયેલી છૂટછાટ પાછી ખેંચી લીધી છે. સાવચેતીના પગલારૂપે આજે પ્રતિબંધો લાદી દેવાયા છે. ઇમ્ફાલ ઘાટીમાં પહેલેથી જ નાઇટ કર્ફ્યુ અમલમાં છે.
Advertisement
Advertisement
સ્થિતિ યથાવત જાળવી રાખવા આદેશ
મણિપુર હાઈકોર્ટે અથડામણ થઈ તેના કલાકો પહેલા ચુરાચાંદપુર જિલ્લાના હાઓલાઈ ખોપી ગામમાં સૂચિત સ્થળ પર યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો. આ સ્થળે કુકી સમુદાયે વંશીય સંઘર્ષમાં માર્યા ગયેલા 35 લોકોના મૃતદેહોને દફનાવવાની યોજના છે. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ એમવી મુરલીધરને સવારે છ વાગ્યે સુનાવણી બાદ આ આદેશ આપ્યો હતો.
મહિલાઓ સડકો પર ઉતરી
બિષ્ણુપુર જિલ્લામાં સવારથી જ તણાવનો માહોલ છે. અહીં હજારો સ્થાનિક લોકો સુરક્ષા દળોની અવરજવરને રોકવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે. મહિલાઓની આગેવાનીમાં સ્થાનિક લોકોએ આર્મી અને આરએએફના જવાનો દ્વારા મુકવામાં આવેલા બેરિકેડને પાર કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે દફન સ્થળ તુઇબુઓંગ સુધી જવા દેવામાં આવે તેવી માંગ કરી હતી.
કર્ફ્યુમાં અપાયેલી છૂટછાટ પાછી ખેચી લેવાઈ
રાજ્ય સરકારે સાવચેતીના પગલા તરીકે ઇમ્ફાલ પૂર્વ અને પશ્ચિમ જિલ્લાઓમાં દિવસ દરમિયાન કર્ફ્યુમાં અપાયેલી છૂટછાટ પાછી ખેંચી લીધી હતી. અશાંતિની આશંકાને લીધે ઇમ્ફાલ પૂર્વ અને પશ્ચિમના જિલ્લા મેજિસ્ટ્રેટોએ દિવસ દરમિયાન ફરીથી કર્ફ્યુ લાદવાના અલગ-અલગ આદેશો જારી કર્યા હતા.
શું છે મામલો ?
ઉલ્લેખનીય છે કે મણિપુરમાં અનુસૂચિત જનજાતિ (ST)નો દરજ્જો મેળવવાની મેઇતેઈ સમુદાયની માંગના વિરોધમાં 3 મેના રોજ પહાડી જિલ્લાઓમાં ‘આદિવાસી એકતા માર્ચ’નું આયોજન કરવામાં આવ્યું તે પછી અથડામણો શરૂ થઈ હતી. ત્યારથી અત્યાર સુધીમાં રાજ્યમાં ઓછામાં ઓછા 160 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. સંખ્યાબંધ લોકો ઘાયલ થયાં છે. ઘણાં મકાનોને આગ ચાંપી દેવામાં આવી છે.
Advertisement