અલ્હાબાદ હાઈકોર્ટે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદના ASI સર્વે વિરુદ્ધ મુસ્લિમ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે ASI સર્વે પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે અને મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી છે. કોર્ટ કેમ્પસના ASI સર્વે માટે લીલી ઝંડી મળ્યા બાદ હવે કોઈ પણ સમયે સર્વેનું કામ ફરી શરૂ થશે.
Advertisement
Advertisement
હાઈકોર્ટમાં સુનાવણી બાદ ASI સર્વેને મંજૂરી અપાઈ
જ્ઞાનવાપીના સાયન્ટિફિક સર્વે કેસમાં મુસ્લિમ પક્ષને અલ્હાબાદ હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર હાઈકોર્ટમાં સુનાવણી બાદ એએસઆઈના સર્વે માટે મંજૂરી આપવામાં આવી છે. મુસ્લિમ પક્ષે કહ્યું હતું કે સર્વેક્ષણથી માળખાને નુકસાન થશે, ત્યારબાદ એએસઆઈએ એફિડેવિટ દાખલ કરીને દાવો કર્યો હતો કે સર્વેક્ષણથી કોઈ નુકસાન થશે નહીં. તે પછી અલ્હાબાદ હાઈકોર્ટે સર્વે કરવા અંગે પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટના ચુકાદા બાદ ગમે ત્યારે જ્ઞાનવાપી કેમ્પસનો ASI સર્વે શરૂ થઈ શકે છે. હિંદુ પક્ષના વકીલ અનુસાર, કોર્ટે સ્વીકાર્યું છે કે સર્વે કોઈપણ તબક્કે શરૂ કરી શકાય છે. અંજુમન ઈન્તેઝામિયા મસાજિદે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર વારાણસીના જિલ્લા ન્યાયાધીશના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પ્રીતિંકર દિવાકરની સિંગલ બેન્ચે મુસ્લિમ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર પોતાનો ચુકાદો આપ્યો છે.
જ્ઞાનવાપી કેસમાં અત્યાર સુધી શું થયું?
અગાઉ, 21 જુલાઈએ, હિન્દુ પક્ષની અરજી પર, વારાણસી જિલ્લા ન્યાયાધીશની અદાલતે જ્ઞાનવાપી સંકુલનો ASI સર્વે કરીને 4 ઓગસ્ટ સુધીમાં રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો હતો. પરંતુ જ્ઞાનવાપીનો સર્વે શરૂ થતાં જ મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. મુસ્લિમ પક્ષની અરજી પર સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને હાઈકોર્ટમાં જવાની સલાહ આપી હતી અને ASI સર્વે પર સ્ટે આપ્યો હતો.
અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ સંકુલના સર્વેની મંજૂરી આપી તે અંગે હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે અલ્હાબાદ હાઈકોર્ટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ)ને સર્વે કરવા કહ્યું છે. અલ્હાબાદ હાઈકોર્ટે પણ જિલ્લા કોર્ટના નિર્ણયને તાત્કાલિક અસરથી લાગુ કરવા જણાવ્યું છે.
દરમિયાન, AIMPLBના સભ્ય મૌલાના ખાલિદ રશીદ ફરંગી મહાલીએ અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા અંગે જણાવ્યું કે મુસ્લિમ પક્ષ આ આદેશને પડકારવા માટે સુપ્રીમ કોર્ટમાં જવા વિચારશે.
Advertisement