આજે જુલાઈ મહિનાનો છેલ્લો દિવસ છે. ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે, નાણાંકીય જગત સાથે જોડાયેલા ઘણાં નિયમોમાં ફેરફાર થવાનો છે. આ નિયમોમાં ITR રિટર્ન સિવાય જીએસટી અને ક્રેડિટ કાર્ડ પેમેન્ટ સંબંધિત નિયમોનો સમાવેશ થાય છે. આ સ્થિતિમાં, નિયમો બદલાવાની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. 1 ઓગસ્ટ, 2023 થી જીએસટી, પેમેન્ટ ચૂકવણી સિસ્ટમ સંબંધિત વિવિધ ફેરફારો અમલમાં આવશે. સાથે જ એલપીજી, પીએનજી અને કોમર્શિયલ ગેસના ભાવમાં ફેરફાર થવાની શક્યતા છે.
Advertisement
Advertisement
જીએસટીના નિયમો બદલાશે
સરકારની જાહેરાત મુજબ, 1 ઓગસ્ટ, 2023 થી, પાંચ કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતા વ્યાપારીઓએ ઇલેક્ટ્રોનિક ઇનવોઇસ આપવા પડશે. આવી સ્થિતિમાં, જીએસટીના ક્ષેત્રમાં આવતા વેપારીઓએ સંબંધિત નિયમો વિશે વિગતવાર જાણીને ઈલેક્ટ્રોનિક ઈનવોઈસ બનાવવાની તૈયારી કરી લે તે જરૂરી છે.
આવકવેરા રિટર્ન ભરવાની આજે છેલ્લી તારીખ
આજે એટલે કે 31 જુલાઈ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ છે. તેથી 1 ઓગસ્ટથી આઈટીઆર ફાઈલ કરનારા લોકોએ દંડ ભરવો પડશે. પાંચ લાખ રૂપિયાથી વધુની આવક ધરાવતા લોકો આજે મધરાત 12 વાગ્યા સુધીમાં આઈટીઆર ફાઈલ નહીં કરે તો તેમને આવતીકાલથી તેમ કરવા બદલ એક હજારથી લઈને પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. સરકારે આવકવેરા રિટર્ન ભરવાની તારીખ લંબાવવાની કોઈ જાહેરાત કરી નથી.
દરમિયાન, આવકવેરા વિભાગે રવિવારે માહિતી આપી હતી કે વિભાગને છ કરોડથી વધુ રિટર્ન મળ્યા છે, જે એક વિક્રમ છે. તેમાં તે દિવસે મળેલા લગભગ 27 લાખ રિટર્નનો સમાવેશ થાય છે.
ક્રેડિટ કાર્ડ કેશબેક સંબંધિત નિયમોમાં ફેરફાર થશે
આપ એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો પણ તમારા ખિસ્સા પર તેની અસર થશે. નવા નિયમો અનુસાર, એક્સિસ બેંક અને ફ્લિપકાર્ટથી ખરીદી કરનારા લોકોને 12 ઓગસ્ટથી ખરીદી પર કેશબેક મળશે.
એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર
ઓગસ્ટમાં એલપીજી તેમજ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થવાની સંભાવના છે. ઓઈલ કંપનીઓ દર મહિનાની 1 અને 16 તારીખે એલપીજીના ભાવમાં ફેરફાર કરે છે. આ ઉપરાંત પીએનજી અને સીએનજીના દરોમાં પણ ફેરફાર થઈ શકે છે.
પેટ્રોલ – ડીઝલના ભાવમાં પણ ફેરફારની શક્યતા
ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની છેલ્લી તારીખે મધ્યરાત્રિએ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. આવી સ્થિતિમાં 1 ઓગસ્ટથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 21 મેથી દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત સ્થિર છે.
Advertisement