પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રોજગાર મેળા અંતર્ગત વર્ચ્યુઅલ માધ્યમથી 70,000 થી વધુ ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું. આ પ્રસંગે સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે, રોજગાર મેળો એ યુવાનોને સશક્ત કરવાનો અને દેશની પ્રગતિમાં તેમની સક્રિય ભાગીદારીને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ છે. તેમણે કહ્યું કે 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાના અમારા પ્રયાસોમાં યુવાનોની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. પીએમ મોદીએ ઉમેર્યું કે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ દરમિયાન જ્યારે દેશ વિકાસના માર્ગ પર કામ કરી રહ્યો છે, ત્યારે સરકારી કર્મચારી તરીકે કામ કરવાની તક મળવી એ ખૂબ જ સન્માનની વાત છે.
Advertisement
Advertisement
રોજગાર મેળાને સંબોધતા પીએમ મોદીએ બેન્કિંગ સેક્ટર વિશે કહ્યું, આજે ભારત એવા દેશોમાંનો એક છે જ્યાં બેન્કિંગ સેક્ટરને સૌથી મજબૂત માનવામાં આવે છે.પરંતુ નવ વર્ષ પહેલા આ સ્થિતિ નહોતી. પીએમ મોદીએ જણાવ્યું કે દેશભરમાં લગભગ 50 કરોડ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે અને તે બેંકના દરેક કર્મચારી માટે ગર્વની વાત છે. તેમણે વધુમાં કહ્યુંકે, સરકારે 2014 થી દેશમાં સરકારી બેંકોના સંચાલનને મજબૂત બનાવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે સરકારે ‘નાદારી કોડ’ કાયદો બનાવ્યો છે જેથી કોઈ બેંક બંધ થઈ જાય, તો તેને ઓછામાં ઓછું નુકસાન થાય.
પીએમ મોદીએ કહ્યું કે જ્યારે ગરીબોના કલ્યાણની વિવિધ યોજનાઓ તેમના સુધી પહોંચી તો તેમનું મનોબળ પણ વધ્યું. આ સફળતા એ હકીકતનું પ્રતિક છે કે આપણે સૌ સાથે મળીને ભારતમાંથી ગરીબી દૂર કરવાના પ્રયાસો વધારીએ તો ભારતમાંથી ગરીબી સંપૂર્ણપણે નાબૂદ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે આ રોજગાર મેળો દેશભરમાં 44 સ્થળો પર યોજાયો હતો. દેશભરમાંથી નવા પસંદ કરાયેલા કર્મચારીઓ મહેસૂલ વિભાગ, નાણાંકીય સેવાઓ, પોસ્ટ, શાળા શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, સંરક્ષણ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉપક્રમો, જળ સંસાધન, કર્મચારી અને તાલીમ અને ગૃહ વિભાગ સહિત વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં સરકારમાં જોડાશે.
Advertisement