મણિપુરમાં બે મહિલાઓ પર સામૂહિક દુષ્કર્મ અને નગ્ન પરેડ કરાવવાના મામલામાં ગુસ્સે ભરાયેલા ટોળાએ મુખ્ય આરોપીઓમાંના એકનું ઘર સળગાવી દીધું છે. આ ઘટના ચેકમાઈ વિસ્તારમાં બની હતી. ટોળાએ અચાનક આરોપીના ઘરને આગ ચાંપી દીધી હતી. મુખ્ય આરોપીનું નામ હુઇરેમ હેરોદાસ મૈતેઇ છે.
Advertisement
Advertisement
પોલીસે ગુરુવારે આરોપીની ધરપકડ કરી
મણિપુરની મહિલાઓને નગ્ન કરીને પરેડ કરાવવાનો અને તેમની જાતીય સતામણીનો વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર દેશમાં આક્રોશ ફેલાયો હતો. આ કેસના મુખ્ય આરોપી હુઇરેમ હેરોદાસ મૈતેઈની પોલીસે ગુરુવારે થૌબલ જિલ્લામાંથી ધરપકડ કરી હતી.
કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી
હુઇરેમ હેરોદાસ મૈતેઈ 32 વર્ષનો છે. પોલીસે તેની ઓળખ વાયરલ થયેલા વીડિયો પરથી કરી હતી. તેમાં તે લીલા રંગનું ટી-શર્ટ પહેરેલો જોવા મળ્યો હતો. મણિપુર પોલીસના જણાવ્યા અનુસાર હેરોદાસ આ કેસનો મુખ્ય આરોપી છે. આ વાયરલ વીડિયોના આરોપીઓને પકડવા માટે પોલીસની 12 ટીમો બનાવવામાં આવી હતી. આરોપીઓને ઝડપી લેવા પોલીસની ટીમો સતત દરોડા પાડી રહી છે. અત્યાર સુધીમાં કુલ 4 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.
CJIનું કડક વલણ
મણિપુરમાં બે મહિલાઓને નિર્વસ્ત્ર કરાવીને પરેડ કરાવવાનો જે વીડિયો સામે આવ્યો છે તે ખરેખર હેરાન કરનારો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે સરકારને કાર્યવાહી કરવા કહ્યું છે. આ સિવાય ચીફ જસ્ટિસે કહ્યું કે આવી ઘટનાઓ બિલકુલ સ્વીકાર્ય નથી. CJIએ કહ્યું કે આ બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન છે, સરકાર કાર્યવાહી નહીં કરે તો અમે આ મામલે કડક કાર્યવાહી કરીશું.
પીએમ મોદીએ કહ્યું, મારું દિલ વેદનાથી ભરાઈ ગયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મણિપુરમાં જે ઘટના સામે આવી છે તે કોઈપણ સંસ્કારી સમાજ માટે શરમજનક ઘટના છે. ગુનેગાર કેટલા અને કોણ છે, તે અલગ વાત છે. પરંતુ સમગ્ર દેશનું અપમાન થઈ રહ્યું છે. હું તમામ મુખ્યમંત્રીઓને વિનંતી કરું છું કે તેઓ તેમના રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરે. ખાસ કરીને આપણી માતાઓ અને બહેનોની સુરક્ષા માટે આકરાં પગલાં લેવા જોઈએ. મણિપુરમાં જે ઘટના સામે આવી છે તે કોઈપણ સંસ્કારી સમાજ માટે શરમજનક છે. 140 કરોડ દેશવાસીઓનું માથું શરમથી ઝુકી ગયું છે.
Advertisement