આજે દેશના બે રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાજસ્થાનના પાટનગર જયપુરમાં શુક્રવારે વહેલી સવારે 4.09 કલાકે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. તે પછી થોડા થોડા સમયના અંતરે ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકાથી જાગી ગયેલા લોકો તેમના ઘરો અને એપાર્ટમેન્ટ્સમાંથી સુરક્ષિત અને ખુલ્લા સ્થળોએ દોડી ગયા હતા. દરમિયાન, પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં પણ શુક્રવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
Advertisement
Advertisement
જયપુરમાં અનુભવાયેલા 4.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા ખૂબ શક્તિશાળી હતા. લોકો ગભરાટ અને ભયના કારણે દોડીને પોતાના ઘરોની બહાર ખુલ્લામાં આવી ગયા હતા. બીજા ભૂકંપની આશંકા હોવાથી ઘણાં લોકો એક કલાક સુધી બહાર જ રહ્યા હતા. સવારે 4.38 કલાકે પ્રથમ આંચકો આવ્યા બાદ 15-17 મિનિટમાં ભૂકંપના વધુ બે આંચકા તૂટક તૂટક અનુભવાયા હતા. જેના કારણે લોકો ખૂબ જ ડરી ગયા હતા. જો કે, જોરદાર આંચકા હોવા છતાં, આ આંચકાઓની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.4 થી વધુ માપવામાં આવી હતી. ભૂકંપના કારણે લાંબા સમય સુધી અફરાતફરીનો માહોલ રહ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ અરવલ્લીના પહાડી વિસ્તારમાં હતું.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ત્રણ આંચકા અનુભવાયા હતા. પ્રથમ આંચકો સવારે 4:09 વાગ્યે આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.4 હતી. બીજો આફ્ટરશોક 4:22 વાગ્યે 3.2ની તીવ્રતા સાથે આવ્યો હતો અને ત્રીજો આફ્ટરશોક 4:25 વાગ્યે આવ્યો હતો જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.4 નોંધાઈ હતી. જયપુરમાં ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે જાનમાલને નુક્સાનના સમાચાર નથી. પરંતુ નાહરગઢની ટેકરી પર પત્થરો તૂટવાના અને અવાજ સાથે ધસી પડવાના અહેવાલો મળ્યા હતા.
જયપુરમાં સવારે ભૂકંપના આંચકાથી ચાંદપોલ પોલીસ લાઈનમાં પણ નાસભાગ મચી ગઈ હતી અને અરાજકતા સર્જાઈ હતી. આ દરમિયાન એક પછી એક ત્રણ આંચકાને કારણે પોલીસ લાઈનના જવાનોમાં નાસભાગ મચી ગઈ હતી. આ દોડધામમાં 10-15 પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
મણિપુરમાં ભૂકંપ અનુભવાયો
પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં પણ શુક્રવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) ના અહેવાલ પ્રમાણે રાજ્યના ઉખરુલમાં રિક્ટર સ્કેલ પર 3.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. એનસીએસના જણાવ્યા અનુસાર, ભૂકંપ શુક્રવારે સવારે 5.01 વાગ્યે આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ 20 કિલોમીટરની ઊંડાઈ પર હતું. જો કે ભૂકંપના કારણે કોઈ નુકસાનના અહેવાલ નથી.
Advertisement