મણિપુરમાં છેલ્લાં બે મહિનાથી ચાલી રહેલી હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી સતત શાંતિની અપીલ કરવામાં આવી રહી છે. દરમિયાન, મણિપુરના પશ્ચિમી કાંગપોકપી વિસ્તારમાં ફરી હિંસા ભડકી હોવાની માહિતી સામે આવી રહી છે. આખી રાત ચાલેલી હિંસક અથડામણમાં એક પોલીસકર્મીનું મોત થયું છે અને 10 અન્ય ઘાયલ થયા છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, સવારે ત્રણ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી સ્થિતિ સામાન્ય રહી હતી, પરંતુ ત્યારબાદ ફાયેંગ અને સિંગદા ગામમાં ભારે ગોળીબારના અવાજ સંભળાયા હતા.
Advertisement
Advertisement
ગોળીબારમાં પહાડી વિસ્તારોને નિશાન બનાવાયા
કાંગપોકલી જિલ્લાના કાંગચુપ વિસ્તારમાં ગામો અને પહાડી વિસ્તારોને નિશાન બનાવીને ગોળીબાર કરવામાં આવ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. આસામ રાઈફલ્સ બે ગામો વચ્ચે ‘બફર ઝોન’નું સંચાલન કરે છે. અધિકારીએ આ પ્રકારની સામ-સામે અથડામણમાં જાનહાનિ વિશે પણ માહિતી આપી છે. તેમણે કહ્યું કે ગોળીબાર બંધ થયા પછી જ પરિસ્થિતિ વિશે સાચી માહિતી જાણી શકાશે.
ઉલ્લેખનીય છે કે, 3 મેના રોજ મણિપુરમાં વંશીય હિંસા ફાટી નીકળી હતી. મણિપુરમાં અનુસૂચિત જનજાતિ (ST)નો દરજ્જો મેળવવાની મૈતેઈ સમુદાયની માંગના વિરોધમાં 3 મેના રોજ પહાડી જિલ્લાઓમાં આદિવાસી એકતા કૂચનું આયોજન કરવામાં આવ્યું તે પછી અથડામણો શરૂ થઈ. ઉગ્રવાદીઓએ રાજ્ય સરકાર અને કેન્દ્રના ઘણાં મંત્રીઓના ઘરોને પણ આગ લગાવી દીધી છે. પરિસ્થિતિને સંભાળવા માટે સેના તૈનાત કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી સ્થિતિ સામાન્ય થઈ નથી. સરકાર દાવો કરી રહી છે કે સમયની સાથે પરિસ્થિતિ કાબૂમાં આવી રહી છે, પરંતુ આ દરમિયાન આતંકવાદીઓ અને સેના વચ્ચે અથડામણના અહેવાલો આવતા રહે છે.
Advertisement