ઓડિશાની બાલાસોર ટ્રેન દુર્ઘટના બાદ દક્ષિણ પૂર્વ રેલવેના જનરલ મેનેજર અર્ચના જોશીને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. કેબિનેટની નિમણૂક સમિતિએ અનિલ કુમાર મિશ્રાની દક્ષિણ પૂર્વ રેલવેના નવા જનરલ મેનેજર તરીકે નિમણૂકને મંજૂરી આપી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અર્ચના જોશીને નવી જવાબદારી સોંપવામાં આવી છે. તેમને કર્ણાટકના યેલાહંકા ખાતેની રેલ વ્હીલ ફેક્ટરીના જનરલ મેનેજર બનાવવામાં આવ્યા છે.
Advertisement
Advertisement
દક્ષિણ પૂર્વ રેલવેના ઘણાં ઉચ્ચ અધિકારીઓની બદલી
સૂત્રોના જણાવ્યા અનુસાર, બાલાસોર ટ્રેન દુર્ઘટનાની તપાસ કરી રહેલી CRSએ તેનો રિપોર્ટ રેલવે બોર્ડને સોંપી દીધો છે. રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું છે તેની વિગતો જાહેર કરવામાં આવી નથી. રેલવે બોર્ડના વરિષ્ઠ અધિકારીઓએ રિપોર્ટના તારણો અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. CRS ઉપરાંત CBI પણ આ દુર્ઘટનાની તપાસ કરી રહી છે. દુર્ઘટના પછી, રેલવેએ જેમના અધિકારક્ષેત્રમાં આ ઘટના બની હતી તેવા દક્ષિણ પૂર્વ રેલવેના ઘણાં ઉચ્ચ અધિકારીઓની બદલી કરી દીધી છે. પ્રાથમિક તપાસ અકસ્માતના કારણ તરીકે સિગ્નલ સિસ્ટમમાં બેદરકારી અથવા ઇરાદાપૂર્વકની દખલગીરીનો સંકેત આપે છે.
જોઈન્ટ ડાયરેક્ટર તરીકે દોઢ વર્ષનું એક્સટેન્શન અપાયું
આ અગાઉ 28 જૂને અહેવાલ આવ્યા હતા કે બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં સીબીઆઈ તપાસની દેખરેખ કરી રહેલા વરિષ્ઠ IPS અધિકારી વિપ્લવ કુમાર ચૌધરીના કાર્યકાળને લંબાવી દેવામાં આવ્યો છે. ચૌધરીને CBIમાં જોઈન્ટ ડાયરેક્ટર તરીકે દોઢ વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. કર્મચારી મંત્રાલયે એક આદેશમાં જણાવ્યું હતું કે કેબિનેટની નિમણૂક સમિતિએ 28 માર્ચ, 2023 થી 27 સપ્ટેમ્બર, 2024 સુધીના એક વર્ષ અને 6 મહિનાના સમયગાળા માટે તેમની પ્રતિનિયુક્તિના વિસ્તરણને મંજૂરી આપી છે.
2 જૂને થયો હતો આ ભયંકર અકસ્માત
2 જૂને ઓડિશાના બાલાસોરમાં એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો, જેમાં 292 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને 1000 થી વધુ લોકો ઘાયલ થયા હતા. રેલવેને આ ઘટના પાછળ સિગ્નલ સિસ્ટમ સાથે ચેડાં થયાની આશંકા હતી. તેને પગલે કેન્દ્ર સરકારે CBIને આ મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. આ ઘટનામાં બહાનાગા રેલ્વે સ્ટેશન પહેલા કોરોમંડલ એક્સપ્રેસ એક ગુડ્ઝ ટ્રેન સાથે અથડાઈ હતી, ત્યારબાદ ટ્રેનનાં કેટલાંક ડબ્બા બીજા ટ્રેક પર પડ્યા હતા અને સામેની બાજુથી આવતી ટ્રેન તેની સાથે અથડાઈ હતી, જેના કારણે ત્રણ ટ્રેનો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.
Advertisement