મણિપુરમાં છેલ્લાં એક મહિના કરતાં વધુ સમયથી ચાલી રહેલી હિંસા બંધ થવાનું નામ નથી લઈ રહી. પ્રાપ્ત માહિતી પ્રમાણે મણિપુરના કેન્ટો સંબલ અને ચિંગમેંગ ગામમાં ગઈકાલે રાત્રે ભારે ગોળીબાર થયો હતો. તે જ સમયે, આતંકવાદીઓએ કેન્ટો સંબલમાં પાંચ ઘરોને પણ આગ ચાંપી દીધી હતી. ફાયરિંગની ઘટનામાં એક જવાન પણ ઘાયલ થયો હતો. રાજધાની ઇમ્ફાલ અને કાંગપોકપીની સરહદ પાસે પણ બળવાખોરો તોફાનો કરી રહ્યા છે. આ ઉપરાંત, હેંગઝાંગમાં પણ ગોળીબાર થયો હોવાના અહેવાલ છે. મણિપુરના વિવિધ વિસ્તારોમાંથી તોડફોડ અને આગચંપીના અહેવાલો આવી રહ્યા છે. પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મોટી સંખ્યામાં કેન્દ્રીય દળો તૈનાત છે.
Advertisement
Advertisement
સેનાએ કહ્યું કે 18 જૂને એટલે કે રવિવારે મોડી રાત્રે સશસ્ત્ર બળવાખોરોએ કેન્ટો સંબલથી ચિંગમાંગ ગામ તરફ કોઈપણ કારણ વગર ગોળીબાર શરૂ કર્યો હતો. સામાન્ય લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સેનાએ જવાબી કાર્યવાહી કરી હતી. આ દરમિયાન ફાયરિંગમાં એક જવાન પણ ઘાયલ થયો હતો. તેને લશ્કરી હોસ્પિટલ લિમાખોંગ લઈ જવામાં આવ્યો હતો. હાલ તે જવાનની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળે છે.
એક સ્થાનિક રહીશે જણાવ્યું કે ગઈકાલે રાત્રે 12 વાગ્યે, શંકાસ્પદ કુકી ઉગ્રવાદીઓએ અચાનક કેન્ટો સંબલ પર ગોળીબાર શરૂ કર્યો. એટલું જ નહીં, આ ઉગ્રવાદીઓએ પાંચ ઘરોમાં તોડફોડ કરીને આગ ચાંપી દીધી હતી. BSNLના નિવૃત્ત અધિકારી અમુથોઈએ જણાવ્યું કે, શહેરમાં મોટી સંખ્યામાં કેન્દ્રીય દળો તૈનાત કરવામાં આવ્યા છે.
શુક્રવારે મોડી રાત્રે ઇમ્ફાલ પશ્ચિમમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ અધિકારમયુમ શારદા દેવીના ઘરને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અગાઉ પણ 1200 લોકોના ટોળાએ કેન્દ્રીય મંત્રી આરકે રંજન સિંહના ઘર પર પેટ્રોલ બોમ્બથી હુમલો કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, એક મહિના પહેલા મણિપુરમાં ફાટી નીકળેલી મૈતેઈ અને કુકી સમુદાયના લોકો વચ્ચેની વંશીય હિંસામાં 100 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજ્ય સરકારે અફવાઓને ફેલાતી અટકાવવા માટે 11 જિલ્લામાં કરફ્યુ લાદ્યો હતો અને ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો.
Advertisement