મણિપુરમાં એક મહિના કરતાં વધુ સમયથી ચાલી રહેલી હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. હવે રાજધાની ઇમ્ફાલમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણના સમાચાર સામે આવ્યા છે. અથડામણ બાદ પ્રદર્શનકારીઓએ ઘણાં ઘરોને આગ ચાંપી દીધી છે. તેને લીધે કેટલાંક લોકો ઘાયલ થયા હોવાના પણ સમાચાર છે. આ અગાઉ બુધવારે સાંજે મણિપુરના એકમાત્ર મહિલા મંત્રી નેમચા કિપગેનના ઘરને પણ વિરોધીઓએ આગ લગાવી દીધી હતી.
Advertisement
Advertisement
પૂર્વ ઇમ્ફાલમાં ફાટી નીકળી હિંસા
અહેવાલો અનુસાર, બપોરે લગભગ 1 વાગ્યે, દેખાવકારોએ પૂર્વ ઇમ્ફાલના ન્યુ ચાકોન વિસ્તારમાં ઘરોને આગ લગાવી દીધી. વિસ્તારમાં કડક કરફ્યુ અમલમાં હોવા છતાં, દેખાવકારોએ સુરક્ષા દળો સાથે અથડામણ કરી હતી. પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ પણ છોડ્યા હતા. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આપને જણાવી દઈએ કે આ વિસ્તારમાં કુકી, મૈતેઈ, મુસ્લિમ અને બંગાળી મૂળના લોકો રહે છે.
ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ 20 જૂન સુધી લંબાવાયો
મણિપુરમાં સરકારે ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ 20 જૂનના બપોરે 3:00 વાગ્યા સુધી લંબાવ્યો છે. મણિપુરના ગૃહ કમિશનર ટી રણજીત સિંહ દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં શાંતિ જાળવવા અને તોફાનોને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આદેશમાં કહેવાયું છે કે ઈન્ટરનેટના કારણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા બગડી શકે છે. આપને જણાવી દઈએ કે રાજ્યમાં આ 9મી વખત ઈન્ટરનેટ પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે.
મંગળવારે હિંસામાં 9 લોકોના થયા મૃત્યુ
ખામેનલોક વિસ્તારના અગીજંગ ગામમાં મંગળવારે રાત્રે 10:30 વાગ્યે હિંસા ફાટી નીકળી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં સશસ્ત્ર બળવાખોરોએ કુકી ગામ પર હુમલો કર્યો. જેમાં 9 લોકોના મોત થયા હતા, જ્યારે 10 લોકો ઘાયલ થયા હતા.ઘટનાની માહિતી મળતા જ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ અને બદમાશો વચ્ચે ફાયરિંગ પણ થયું હતું. જોકે, બાદમાં સુરક્ષા દળોએ તાત્કાલિક કાર્યવાહી કરીને હિંસા પર કાબૂ મેળવી લીધો હતો.
Advertisement