મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. રાજધાની ઈમ્ફાલ ઈસ્ટ જિલ્લાના ખામેનલોક વિસ્તારમાં મંગળવારે મોડી રાત્રે ફરી હિંસા ફાટી નીકળી હતી. હિંસા દરમિયાન મોટા પ્રમાણમાં ગોળીબાર થયાના અહેવાલ છે. આ હિંસામાં 9 લોકોના મોત થયા હતા જ્યારે 10 લોકો ઘાયલ થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. પીડિતોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
Advertisement
Advertisement
પોલીસે જણાવ્યું હતું કે સશસ્ત્ર ઉગ્રવાદીઓએ ઇમ્ફાલ પૂર્વ જિલ્લો અને કાંગપોકપી જિલ્લાની સરહદે આવેલા ખામેનલોક વિસ્તારમાં ગ્રામજનોને ઘેરી લીધા હતા અને મોડી રાત્રે લગભગ એક વાગ્યે હુમલો કર્યો હતો. જેમાં નવ લોકો માર્યા ગયા હતા અને અન્ય 10 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને ઈમ્ફાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વિસ્તાર મૈતેઇ-પ્રભુત્વ ધરાવતા ઇમ્ફાલ પૂર્વ જિલ્લા અને આદિવાસી પ્રભુત્વવાળા કાંગપોકપી જિલ્લાની સરહદો સાથે આવેલો છે.
સોમવારે પણ ગોળીબાર થયો હતો
સોમવારે પણ આ વિસ્તારમાં જ ફાયરિંગની ઘટના બની હતી, જેમાં નવ લોકો ઘાયલ થયા હતા. સોમવારે મોડી રાત્રે બળવાખોર સંગઠનના લોકો અને ગ્રામજનો વચ્ચે ગોળીબાર થયો હતો, જેમાં બંને પક્ષના 9 લોકો ઘાયલ થયા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અગાઉ ત્રણ લોકો ઘાયલ થયાના સમાચાર હતા. જોકે ગોળીબાર ચાલુ રહેવાને લીધે ઘાયલોની સંખ્યા વધીને નવ થઈ હતી.
મંગળવારે પણ અથડામણ
પોલીસના જણાવ્યા અનુસાર, મંગળવારે બિષ્ણુપુર જિલ્લાના ફૌગાકચાઓ ઇખાઈમાં સુરક્ષા દળો અને કુકી આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. વાસ્તવમાં, કુકી આતંકવાદીઓ મૈતેઈ વિસ્તારોની નજીક બંકર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે સુરક્ષા દળોએ તેમને પડકાર્યા, જેના પરિણામે બંને તરફથી ગોળીબાર થયો. દરમિયાન, જિલ્લા સત્તાવાળાઓએ થોડા કલાકો માટે કરફ્યુમાં રાહત આપી છે.
Advertisement