ઇસ્તંબુલ: તુર્કી અને સીરિયામાં 7.8ની તીવ્રતાના ભૂકંપે વિનાશ વેર્યો છે. તુર્કી અને સીરિયામાં ભૂકંપથી અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તુર્કીમાં ભૂકંપથી 300 તો સીરિયામાં 320 મોતની પૃષ્ટી થઇ છે. મોટા પાયે ત્યા રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. બન્ને દેશમાં અત્યાર સુધી 620 લોકોના મોત થયાનું જાણવા મળે છે. મોતનો આંકડો વધવાનું અનુમાન છે. હજારો લોકો ઘાયલ થયા છે. બન્ને દેશમાં કેટલીક બિલ્ડિંગ ધરાશાયી થઇ ગઇ છે જેના કાટમાળમાં અનેક લોકો હજુ પણ ફસાયેલા છે. બીજી તરફ ઇટાલીમાં સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભૂકંપે દક્ષિણ તુર્કીના ગજિએનટેપ શહેરને દહેલાવી દીધો છે.
Advertisement
Advertisement
તુર્કીના દક્ષિણ-પૂર્વમાં ગજિયાનટેપમાં સોમવાર સવારે 4.17 વાગ્યે શક્તિશાળી ભૂકંપના ઝટકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.8 માપવામાં આવી હતી. તુર્કીમાં ભૂકંપની ઘટનાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુખ વ્યક્ત કર્યુ છે. રિપોર્ટ અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ગજિયાનટેપ પ્રાંતના પૂર્વમાં નૂર્દગીથી નજીક 23 કિલોમીટર દૂર હતુ.
PM મોદીએ દુખ વ્યક્ત કર્યુ
પીએમ મોદીએ કહ્યુ, તુર્કીમાં ભૂકંપને કારણે મૃત્યુ અને સંપત્તિના નુકસાનથી દુખી છુ. શોકગ્રસ્ત પરિવારજનો પ્રત્યે મારી સંવેદના, ઘાયલોના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરૂ છુ. ભારત તુર્કીના લોકો સાથે એકજુટતા સાથે ઉભુ છે અને આ આફત સામે લડવા માટે દરેક સંભવ મદદ આપવા તૈયાર છે.
સીરિયા અને આસપાસના વિસ્તારમાં પણ ભૂકંપના ઝટકા
અમેરિકન ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણે કહ્યુ કે મધ્ય તુર્કીમાં ભૂકંપ પછી ઝટકા અનુભવાયા હતા. પહેલા ભૂકંપના લગભગ 11 મિનિટ પછી 6.7 તીવ્રતાનો એક અન્ય ભૂકંપ અનુભવાયો હતો.
આ ભૂકંપથી સીરિયા અને આસપાસના અન્ય વિસ્તારમાં નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. લેબેનોન, ઇરાક, ઇઝરાયલ, પેલેસ્ટાઇન અને સાઇપ્રસમાં પણ સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. જેમાં 200થી વધુ લોકોના ઘાયલ થવાના સમાચાર છે.
રાષ્ટ્રપતિ અર્દોઆને ટ્વીટ કર્યુ
તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈયપ અર્દોઆને ભૂકંપથી થયેલા નુકસાન અને રાહત બચાવ કાર્યને લઇને ટ્વીટ કરતા નિવેદન આપ્યુ છે, તેમમે લખ્યુ,” હું કહમાનમારશ સહિત દેશના બીજા વિસ્તારમાં ભૂકંપથી માર્યા ગયેલા લોકોના પરિવારજનો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરૂ છુ. અમારી એજન્સી રાહત અને બચાવ કાર્યમાં ઝડપથી જોડાયેલી છે અને મને આશા છે કે જલ્દી અમે આ મુશ્કેલીમાંથી બહાર આવીશું.”
ભૂકંપથી કેટલીક બિલ્ડિંગ ધરાશાઇ થઇ
ભૂકંપના ઝટકાથી તુર્કીના કહમાનમારશ શહેર, ગાજિયાનટેપ અને સીરિયાના આસપાસના વિસ્તારમાં બિલ્ડિંગોને ભારે નુકસાન થયુ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભૂકંપથી થયેલા નુકસાનની કેટલીક તસવીરો અને વીડિયો શેર થઇ રહ્યા છે. જેમાં ભૂકંપને કારણે ધરાશાયી થયેલી બિલ્ડિંગોને જોઇ શકાય છે.
Advertisement