ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનું સેશન ચાલી રહ્યુ છે.કોંગ્રેસે PSI ભરતી કૌભાંડને લઇને ગૃહમાં હોબાળો મચાવ્યો હતો અને ખાસ ચર્ચા કરવાની માંગ કરી હતી. જોકે, આ માંગને સ્વીકારવામાં આવી નહતી.
Advertisement
Advertisement
અમિત ચાવડા દ્વારા કરાઇ એકેડમીની સમગ્ર ઘટના અંગે જવાબ માંગવામાં આવ્યો હતો અને સ્પીકર દ્વારા સ્પષ્ટ ના પાડવામાં આવી હતી કે વિધાનસભા નિયમ મુજબ ચાલે છે અને આ પ્રમાણે નોટિસ આપવામાં આવે ત્યારે નોટિસનો સ્વીકાર થાય પછી જે તે પ્રભારી મંત્રીની પરવાનગીથી ચર્ચા થઇ શકે છે. આ ઘટનાને લઇને પક્ષ-વિપક્ષ આમને સામને આવી ગયા હતા. અર્જૂન મોઢવાડિયાએ કહ્યું કે 116ની નોટિસ જ નહી પણ ઝીરો અવર્સના નિયમથી પણ ચર્ચા થઇ શકે છે. વિપક્ષનો સીધો આક્ષેપ હતો કે સરકારની વ્યવસ્થામાં છીડા પડી ચુક્યા છે. મુખ્યમંત્રી અને ગૃહમંત્રી બન્ને ગૃહમાં હોય ત્યારે આ મામલે સ્પષ્ટતા થવી જોઇએ. કોંગ્રેસ દ્વારા બેનર બતાવવામાં આવ્યા હતા અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામું માંગવામાં આવ્યું હતું. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓને એક દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જે પછી કોંગ્રેસે ગૃહમાંથી વોકઆઉટ કર્યુ હતુ.
કોંગ્રેસના વિપક્ષા નેતા અમિત ચાવડાએ આ દરમિયાન મીડિયા સાથે વાત કરી હતી. અમિત ચાવડાએ આ દરમિયાન સરકાર પર પ્રહાર કર્યા હતા. અમિત ચાવડાએ કહ્યુ કે,
“આ પેપર નહતા ફૂટ્યા, ગુજરાતના યુવાઓના નસીબ ફૂટ્યા હતા, તેમના સ્વપ્ના તૂટ્યા હતા પહેલા પેપર ફૂટવાના કૌભાંડ થતા અને હવે જે રીતે બહાર આવ્યુ કોઇ પરીક્ષાની તૈયારી નહી કરવાની, કોઇ પરીક્ષા માટે ફોર્મ નહી ભરવાનું ,કોઇ પરીક્ષા આપવા નહી જવાનું અને સીધા 40-50 લાખ રૂપિયાનો વહીવટ કરો અને ભાજપ સરકારમાં સીધી નોકરી મેળવો. આપણે બધાએ જોયુ કે કરાઇ પોલીસ એકેડમી ખાતે કોઇ પણ જાતની પરીક્ષા પાસ કર્યા સિવાય એક મયુર નામનો યુવક ત્યા આગળ ટ્રેનિંગમાં ભરતી થાય છે અને લાંબા સમય સુધી ટ્રેનિંગ લે છે ત્યા તેના બેરેકમાં રહેવાની વ્યવસ્થા થાય છે, જમવાની વ્યવસ્થા થાય છે, દરેક ક્લાસિસમાં ભાગ લે છે પણ સરકારના ધ્યાને, હોમ ડિપાર્ટમેન્ટના ધ્યાને આ આવતુ નથી.”
અમિત ચાવડાએ ટ્વીટ કરીને પણ ગૃહરાજ્યમંત્રીનું રાજીનામું માંગ્યુ હતું. અમિત ચાવડાએ કહ્યું કે,”ગુજરાતના લાખો યુવાઓના ભવિષ્ય સાથે ચેડા કરનાર ગુજરાતની ભ્રષ્ટ ભાજપ સરકારના ગૃહમંત્રી પોતાની નૈતિક જવાબદારી સ્વીકારી યુવાઓની માફી માંગી તાત્કાલિક રાજીનામું આપે.”
ગુજરાતના લાખો યુવાઓના ભવિષ્ય સાથે ચેડા કરનાર ગુજરાતની ભ્રષ્ટ ભાજપ સરકારના ગૃહમંત્રી પોતાની નૈતિક જવાબદારી સ્વીકારી યુવાઓની માફી માંગી તાત્કાલિક રાજીનામું આપે.#Resign_Harsh_Sanghavi pic.twitter.com/Flz9zhg7w0
— Amit Chavda (@AmitChavdaINC) March 1, 2023
કોંગ્રેસના આક્ષેપો પર ભાજપે પ્રતિક્રિયા આપી હતી. જીતુ વાઘાણીએ કહ્યુ કે, “ગૃહ નીતિ નિયમથી ચાલે છે, નોટિસ ના આપી હોય, માનનીય મંત્રીને જવાબ માટે સમય ના આપ્યો હોય અને એવા વખતે વારંવાર ઉભા થઇને એક જ વાત અને પોતાનો કક્કો-બારાખડી ચાલુ રાખવાના પ્રયાસો એ ગૃહમાં ક્યારેય ના બન્યુ હોય તેમ બન્યું છે, અધ્યક્ષનું અપમાન કર્યુ છે.” વધુમાં જીતુ વાઘાણીએ કહ્યુ કે, “અમારા ઋષીભાઇ (રિષિકેશ પટેલ)એ એક દિવસ માટે સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ મુક્યો અને કુબેર ડિંડોરે અનુમોદન આપ્યુ હતું. ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની વાત કરનાર કોંગ્રેસને કહેવા માંગુ છું કે ભાજપ અને ગૃહમંત્રી કઇ છુપાવવા માંગતા નથી, એટલે રાજીનામાનો કોઇ સવાલ ઉભો થતો નથી.
Advertisement