ગાંધીનગર: માર્ચ મહિનો શરૂ થવાની સાથે જ રાજ્યમાં ગરમી વધવા લાગી છે. ઉનાળાની શરૂઆતમાં જ તાપમાન 35 ડિગ્રીની ઉપર રહેતા લોકો પરસેવાથી રેબઝેબ થઇ રહ્યા છે. ગુજરાતમાં માર્ચ મહિનામાં આકરી ગરમી પડી શકે છે. હવામાન વિભાગ અનુસાર 40 ડિગ્રી સુધી તાપમાન જઇ શકે છે. માર્ચ-મે મહિનાની ગરમી માટે કેન્દ્ર સરકાર તરફથી પ્રથમ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.
Advertisement
Advertisement
માર્ચ-મેની ગરમી માટે કેન્દ્રની પ્રથમ એડવાઇઝરી
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે માર્ચથી મે વચ્ચેની સંભવિત લૂ માટે એડવાઇઝરી જાહેર કરી છે. હવામાન વિભાગે 2023માં ઉનાળાની પ્રથમ એડવાઇઝરી જાહેર કરી છે તેમાં શું કરવુ અને શું ના કરવુ તે જણાવવામાં આવ્યું છે. આ પ્રમાણે જરૂરી ના હોય તો બપોરે 12થી ત્રણ વચ્ચે ઘરમાંથી બહાર ના નીકળવુ જોઇએ. બાળકોને પાર્ક કરેલી કારમાં છોડીને ના જવું. ગયા વર્ષે માર્ચમાં ગરમીએ 122 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.
શું કરવું, સ્થાનિક હવામાનથી અપડેટ રહો
શરીરનું તાપમાન વધુ હોય કે કોઇ બેભાન થઇ જાય કે પરસેવો આવતો બંધ થઇ જાય તો તુરંત 108-102 પર કોલ કરો. લીંબુ પાણી, છાશ, લસ્સી, જ્યુસ મીઠું નાખીને લો. સ્થાનિક હવામાનથી અપડેટ રહો.
શું ન કરવુ, વધુ પ્રોટીનયુક્ત આહારથી બચો
ચા, કોફી, દારૂ અને વધુ ખાંડવાળા પીણાથી બચો. વધુ પ્રોટીન અને વાસી ભોજનથી પણ દૂર રહો. ગરમી વધુ હોય ત્યારે ભોજન ગરમ ના કરો.
અમદાવાદમાં સામાન્ય દિવસોમાં 38 ડિગ્રી તાપમાન રહેશે
Accuweather વેબસાઇટ અનુસાર અમદાવાદ સહિતના રાજ્યના મોટાભાગના શહેરોમાં માર્ચ મહિનામાં તાપમાન સરેરાશ 38 ડિગ્રીની આસપાસ રહી શકે છે. 1 માર્ચે અમદાવાદમાં બપોરે 12 વાગ્યે તાપમાન 31 ડિગ્રી છે જે વધીને 36 ડિગ્રી સુધી જઇ શકે છે. જેમ જેમ માર્ચ મહિનો આગળ વધશે તેમ ગરમીમાં પણ વધારો થઇ શકે છે. માર્ચ મહિનાના બીજા અઠવાડિયામાં ગરમીનો પારે સરેરાશ 37થી 39 ડિગ્રી વચ્ચે રહી શકે છે. માર્ચ મહિનો પૂર્ણ થતા થતા તાપમાન 40 ડિગ્રી સુધી પહોચી શકે છે.
ફેબ્રુઆરીમાં ગરમીનો 146 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
ફેબ્રુઆરી મહિનો વર્ષ 1877થી અત્યાર સુધીનો સૌથી ગરમ રહ્યો છે. ફેબ્રુઆરીમાં ગરમીનો 146 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હતો. માર્ચમાં ગરમીનો નવો રેકોર્ડ નોંધાઇ શકે છે. ફેબ્રુઆરી 2023માં દેશમાં દિવસનું સરેરાશ તાપમાન 29.54 ડિગ્રી નોંધાયુ હતુ. જે સામાન્ય (27.8 ડિગ્રી) તાપમાનથી 1.74 ડિગ્રી વધારે છે. આ પહેલા 2016માં ફેબ્રુઆરીમાં સરેરાશ તાપમાન 29.48 ડિગ્રી નોંધાયુ હતુ. પવનની દિશા બદલાતા ઉત્તર-પશ્ચિમથી ઉત્તરના પવનની અસરથી મોટાભાગના શહેરોમાં તાપમાનમાં વધારો થતા ગરમીમાં વધારો થયો છે. ભૂજમાં સૌથી વધુ 38.7 ડિગ્રી ગરમી નોંધાઇ હતી. અમદાવાદ સહિત 16 શહેરમાં ગરમીનો પારો 35 ડિગ્રીને પાર થઇ ગયો હતો. આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ અને લઘુતમ તાપમાનમાં વધઘટ થવાની શક્યતતા છે. અમદાવાદમાં વહેલી સવારે ઠંડા પવનનું જોર ઘટ્યુ હતુ. અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા 4 ડિગ્રી વધીને 37 ડિગ્રી અને લઘુતમ તાપમાન 1 ડિગ્રી વધીને 17 ડિગ્રીએ પહોચ્યુ હતુ.
Advertisement