અમદાવાદઃ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા 4થી 6 માર્ચ દરમિયાન રાજ્યના ઘણાં વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી. આ આગાહીને પગલે આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની શરૂઆત થયો હતો.
Advertisement
Advertisement
ક્યાં ક્યાં થયો વરસાદ ?
આજે ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ નોંધાયો છે. યાત્રાધામ અંબાજીમાં વહેલી સવારથી જ વાતાવરણ પલટાયું હતું અને ગાજવીજ સાથે વરસાદ થયો હતો. અંબાજીમાં બપોરે પણ વરસાદના ઝાપટા પડ્યા હતા. કમોસમી વરસાદથી ખેડુતોનો તૈયાર પાક બગડવાની ભીતિ સેવાઈ રહી છે જેને લીધે ખેડુતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
દરમિયાન, મહીસાગર જિલ્લામાં પણ વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને માવઠું થયું હતું. આ ઉપરાંત, કલોલ નજીક છત્રાલમાં પણ ભારે વરસાદ થયો હતો. વધુમાં અમદાવાદ-મહેસાણા હાઈવે પર પણ વરસાદ પડ્યો હતો. બીજી બાજુ અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પણ આજે પલટો આવ્યો હતો. માલપુર પંથકમાં કમોસમી વરસાદ થયો હતો.જ્યારે જિલ્લાના અન્ય કેટલાંક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના સુખપુર, ગોવિંદપુર સહિત અનેક ગામોમાં આજે વરસાદી ઝાપટા થયા હતા.
માવઠાને લીધે ખેડૂતોમાં ચિંતાનું મોજું
રાજ્યમાં કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોને પાક બગડવાની ચિંતા થઈ છે. હવામાન વિભાગે આગામી કેટલાક દિવસોમાં ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ જુનાગઢ, અમરેલી જિલ્લામાં માવઠું પડી શકે છે. ઉનાળાના પ્રારંભે જ માવઠાથી ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ ઉભું થયું છે. હવામાન વિભાગની માવઠાની આગાહી વચ્ચે આજે બપોરે અંબાજીમાં પણ ધીમી ધારે વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આકરી ગરમી વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના દક્ષિણ-પૂર્વ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ થવાની પણ આગાહી છે.
ગીર-સોમનાથમાં હીટવેવની આગાહી
એક તરફ માવઠાની આગાહી અને બીજી બાજુ સૌરાષ્ટ્રના ગીર-સોમનાથમાં હીટવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં વધારો થશે. રાજ્યમાં આજથી અઠવાડિયાના અંત સુધીમાં વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એક તરફ રાજ્યના અમુક ભાગોમાં હીટવેવની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે અને તેની વચ્ચે કમોસમી વરસાદ થવાથી રોગચાળો પણ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Advertisement