દિલ્હી: સંસદના વિશેષ સત્ર દરમિયાન રાજ્યસભામાં મહિલા અનામત બિલ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું છે. તમામ પક્ષોએ આ બિલને સમર્થન આપ્યું છે. બિલની તરફેણમાં 215 વોટ પડ્યા હતા અને તેની વિરુદ્ધમાં એક પણ વોટ પડ્યો ન હતો. બુધવારે લાંબી ચર્ચા બાદ આ બિલ લોકસભામાં પણ પસાર કરવામાં આવ્યું હતું. લોકસભા અને રાજ્યસભામાં બિલ પાસ થયા બાદ બંને ગૃહોની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે.
Advertisement
Advertisement
લોકસભામાં આ બિલની તરફેણમાં 454 અને વિરોધમાં 2 વોટ પડ્યા હતા. આ બિલમાં લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ છે. પરંતુ આ બિલ લાગુ થવામાં ઘણો સમય લાગશે. કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે રાજ્યસભામાં બિલ રજૂ કરતા કહ્યું કે હું આજે જે બંધારણ સુધારા બિલ લઈને આવ્યો છું તેના દ્વારા કલમ 330, કલમ 332 અને કલમ 334માં એક કલમ ઉમેરવામાં આવશે. જેના દ્વારા લોકસભા અને દેશની તમામ રાજ્યોની વિધાનસભાઓમાં 1/3 બેઠકો અનામત રાખવામાં આવશે, આ એક મોટું પગલું છે.
પીએમ મોદીએ આભાર વ્યક્ત કર્યો
રાજ્યસભામાં બિલ પર મતદાન કરતા પહેલા પીએમ મોદીએ કહ્યું કે આ બિલ દેશના લોકોમાં નવો વિશ્વાસ પેદા કરશે. તમામ સભ્યો અને રાજકીય પક્ષોએ મહિલા સશક્તિકરણમાં મહત્વની ભૂમિકા ભજવી છે. એવું નથી કે આ વિધેયક પસાર થવાથી નારી શક્તિને વિશેષ સન્માન મળી રહ્યું છે, પરંતુ આ બિલ પ્રત્યે દેશના તમામ રાજકીય પક્ષોની સકારાત્મક વિચારસરણી આપણા દેશની નારી શક્તિને નવી ઉર્જા આપી રહી છે. તેથી હું તમામ સભ્યોનો આભાર માનું છું.
જેપી નડ્ડાએ શું કહ્યું?
રાજ્યસભામાં બિલ પાસ થયા બાદ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે નવા સંસદ ભવન માટે આનાથી વધુ સારી શરૂઆત ન હોઈ શકે. આજે એક રાષ્ટ્ર તરીકે આપણે મહિલા સશક્તિકરણના એક નવા યુગમાં પ્રવેશ કર્યો છે. સંસદના બંને ગૃહો દ્વારા ‘નારી શક્તિ વંદન અધિનિયમ’પસાર થવાની સાથે, આપણે આપણી મહિલાઓને લાંબા સમયથી પડતર અધિકારો આપવાની દિશામાં આગળ વધ્યા છીએ. આપણી નારી શક્તિએ અગાઉ જ જીવનના તમામ ક્ષેત્રોમાં તેમની યોગ્યતા સાબિત કરી દીધી છે, અને હવે તે મહત્વપૂર્ણ છે કે તેઓ પણ કાયદો બનાવવાની પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લે અને આ અમૃતકાળમાં આપણા દેશના વિકાસમાં ફાળો આપે. આ વિધેયક માત્ર વિધાનસભામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારશે એટલું જ નહીં પરંતુ આપણી તમામ મહિલાઓને આત્મનિર્ભર ભારતને ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે પ્રેરિત કરશે. મહિલાઓને સશક્ત બનાવવા માટે તેમના સતત પ્રયાસો બદલ હું પીએમ મોદીનો હૃદયપૂર્વક આભાર માનું છું.
Advertisement