પશ્ચિમ બંગાળમાં ભારે હિંસા વચ્ચે પંચાયત ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. રાજ્યના 22 જિલ્લાની 3 હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં આજે ચૂંટણી યોજાઈ છે. રાજ્યભરમાંથી વિવિધ સ્થળોએ હિંસા, આગચંપી, પથ્થરમારાના અહેવાલો મળી રહ્યા છે.
Advertisement
Advertisement
શનિવારે સવારે 7 વાગ્યે પંચાયતની ચૂંટણી માટે મતદાન શરૂ થયું ત્યારથી બપોર સુધીમાં રાજ્યમાં છ લોકોના મોત થયા છે અને મધ્યરાત્રિથી કથિત મતદાન સંબંધિત હિંસામાં વધુ ત્રણના મોત થયા છે. આમ પંચાયત ચૂંટણી દરમિયાન નવ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. મૃતકોમાં પાંચ ટીએમસી અને એક-એક ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોનો સમાવેશ થાય છે. તેમના સિવાય અપક્ષના સમર્થકો પણ હિંસામાં મૃત્યુ પામ્યા છે.
ચૂંટણી દરમિયાન રાજ્યભરમાં ભારે તંગદિલી ફેલાઈ છે. પશ્ચિમ બંગાળમાં પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા દળો તૈનાત હોવા છતાં ભારે હિંસા થઈ રહી છે. પૂર્વ મેદિનીપુરના નંદીગ્રામ બ્લોક 1 ના રહેવાસીઓએ ટીએમસી પર બૂથ કેપ્ચરિંગનો આરોપ લગાવીને ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. લોકોએ મહમદપુરના બૂથ નંબર 67 અને 68માં કેન્દ્રીય દળ તૈનાત કરવાની માંગ કરી હતી. લોકોએ કહ્યું કે જ્યાં સુધી દળ તૈનાત નહીં થાય ત્યાં સુધી તેઓ મતદાન કરશે નહીં.
મુર્શિદાબાદના બેલડાંગા ખાતે કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચેની અથડામણમાં સત્તાધારી પક્ષના કાર્યકર બાબર અલીનું મોત થયું હતું. હિંસા બાદ વિસ્તારમાં ભારે તણાવ ફેલાઈ ગયો છે. કોંગ્રેસ કાર્યકરને ગોળી વાગ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કૂચબિહારમાં એક મતદાન મથકમાં તોડફોડ કરવામાં આવી છે અને મતદાન શરૂ થતાં જ બેલેટ પેપર લૂંટી લેવાયા છે. ડાયમંડ હાર્બરથી પણ એવા જ અહેવાલો મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ માલદાના માણિકચક અને ગોપાલપુર ગ્રામ પંચાયતના જીશાર્દ ટોલામાં ભારે બોમ્બમારો થયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. મૃતકનું નામ શેખ મલેક જણાવવામાં આવ્યું છે. હુગલીમાં ટીએમસી કાર્યકર્તાઓએ એક અપક્ષ ઉમેદવાર પર ગોળીબાર કર્યો હોવાના અહેવાલ છે.
Advertisement