લખનઉઃ ઉત્તર પ્રદેશ વિધાનસભાના ચોમાસુ સત્રનો ગઈકાલે પાંચમો અને છેલ્લો દિવસ હતો. ગઈકાલે વિધાનસભામાં વિપક્ષના નેતા અખિલેશ યાદવે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. જ્યારે ગૃહના નેતા, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના આરોપો પર વળતો પ્રહાર કર્યો હતો. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે શાબ્દિક ટપાટપી પણ જોવા મળી હતી. જ્યારે ભાષણ દરમિયાન ગૃહમાં હાસ્યનો માહોલ જોવા મળ્યો હતો.
Advertisement
Advertisement
ચોમાસુ સત્રના છેલ્લાં દિવસે ઉત્તર પ્રદેશ વિધાનસભામાં બોલતા સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું હતું કે આ (ભાજપ સરકાર) ચાલ, ચરિત્ર અને ચહેરાથી ઓળખ બનાવવાનો દાવો કરતી હતી અને આજે તેની ઓળખ નફરત, ભ્રષ્ટાચાર, બેરોજગારી અને મોંઘવારીથી બની ગઈ છે…ખેડૂતોને મદદ કર્યા વિના અને કૃષિ ક્ષેત્રને સુધાર્યા વિના ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર કેવી રીતે શક્ય છે? મુખ્યમંત્રી અને ભાજપ સતત સમાજ અને લોકો વચ્ચે તિરાડ ઉભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે…આ લોકો ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી રહ્યા છે.
આ ઉપરાંત તેમણે કહ્યું કે, ગૃહના નેતાના કાર્યાલયમાં કામ કરતા કર્મચારીએ તેની કાર પશુ સાથે અથડાતા જીવ ગુમાવ્યો હતો, જો તેમના માટે સુરક્ષા નથી તો સામાન્ય જનતાની સુરક્ષા શું છે. દર બીજા દિવસે, આપણે સોશિયલ મીડિયા પર એવા વિડિયો જોઈએ છીએ કે ‘આખલા’ એ કોઈ મહિલા, બાળક અથવા વૃદ્ધ વ્યક્તિને ઉપાડીને શેરીમાં ફેંકી દીધા. શું આ જ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાનું સ્વપ્ન છે? તમારા જ જિલ્લામાં સાંઢ સફારી બનાવો, કોણે તમને રોક્યા છે.
સીએમ યોગીએ વળતો પ્રહાર કર્યો
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અખિલેશ યાદવના આરોપો પર પલટવાર કરતા કહ્યું કે સમાજવાદી પાર્ટીને રાજ્યમાં ચાર વખત મુખ્યમંત્રી તરીકે કામ કરવાની તક મળી, તમે આટલા સમય સુધી શું કર્યું ? તમે કોઈ ઉકેલ કાઢ્યો નથી. મને એ કહેતા ગર્વ થાય છે કે અમારા પ્રથમ કાર્યકાળમાં જ એન્સેફેલાઈટીસ નાબૂદ થઈ ગયો છે.
આ સિવાય તેમણે કહ્યું કે શું ઉત્તર પ્રદેશના લોકો આયુષ્માન ભારતની સુવિધામાં સામેલ નથી? તમારા માટે તે જાતિ, વોટબેંકનો મુદ્દો હોઈ શકે છે, પરંતુ અમારા માટે યુપીના લોકો પરિવાર છે. લોકોએ તમને વોટ નથી આપ્યા, લોકોએ ફરી એકવાર તમને નકારી દીધા છે. 2024માં ઉત્તર પ્રદેશમાં તમારું ખાતું પણ ખુલવાનું નથી.
Advertisement