લોકસભા ચૂંટણી પહેલા બેંગલુરુમાં ભાજપ વિરુદ્ધ વિપક્ષોનો જમાવડો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે વિરોધ પક્ષોની બેઠક બોલાવી છે, જેમાં 26 પક્ષોના નેતાઓ ભાગ લઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસીના વડા મમતા બેનરજી પણ બેઠકમાં ભાગ લેવા સોમવારે બેંગલુરુ પહોંચી ગયા હતા. દરમિયાન, મમતા બેનરજી યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીને મળ્યા હતા. બંનેએ એકબીજાના સ્વાસ્થ્ય અને સુખાકારી વિશે પૂછપરછ કરી હતી.
Advertisement
Advertisement
મમતા બેનરજી અને સોનિયા ગાંધી વચ્ચે લગભગ બે વર્ષ બાદ આ મુલાકાત થઈ હતી. આ પહેલા મમતા જુલાઈ 2021માં સોનિયા ગાંધીને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. બંને નેતાઓ વચ્ચે હંમેશા સારા સંબંધો રહ્યા છે. જો કે, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ અને ટીએમસી નેતાઓ વચ્ચે નિવેદનબાજીના કારણે બંને વચ્ચે કેટલાંક મતભેદ સર્જાયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, મમતા બેનરજી પશ્ચિમ બંગાળના કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીના નિવેદનથી નારાજ હતા, જેમાં તેમણે મમતાને તાનાશાહ અને ટીએમસીના કાર્યકરોને ગુંડા કહ્યા હતા.
મમતા-સોનિયાએ અડધો કલાક વાત કરી
ગઈકાલે સાંજે લગભગ છ વાગ્યે મમતા બેનરજી અને સોનિયા ગાંધી બંને સભા સ્થળે પહોંચ્યા હતા. અહીં બંને વચ્ચે અડધો કલાક સુધી વાતચીત થઈ હતી. આ દરમિયાન બંને નેતાઓએ એકબીજાની હાલત પૂછી હતી. તાજેતરમાં મમતા બેનરજીએ ઘૂંટણની સર્જરી કરાવી છે અને સોનિયા ગાંધીને પણ સ્વાસ્થ્ય સમસ્યાઓ છે. મીટિંગ દરમિયાન મમતા અને સોનિયા એકબીજાની બાજુમાં બેસીને ચર્ચા કરતાં જોવા મળ્યા હતા, તેમની વચ્ચેની શાનદાર કેમિસ્ટ્રી જોઈને અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. ભાજપ વિરુદ્ધ વિપક્ષી એકતાને મજબૂત કરવામાં કોંગ્રેસ અને ટીએમસી મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે.
વિપક્ષની બેઠકમાં 26 પક્ષોના નેતાઓ ઉપસ્થિત રહ્યા
કોંગ્રેસે બેંગલુરુમાં વિપક્ષની બીજી બેઠક બોલાવી છે. આ બેઠકમાં 26 પાર્ટીઓના નેતાઓ એકઠા થયા છે. સોમવારે કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ તમામ નેતાઓ માટે ડિનરનું આયોજન કર્યું હતું. કોંગ્રેસ, TMC, શિવસેના (ઉદ્ધવ જૂથ), NCP (શરદ પવાર જૂથ), CPI, CPIM, JDU, DMK, આમ આદમી પાર્ટી, ઝારખંડ મુક્તિ મોરચા, RJD,સમાજવાદી પાર્ટી, નેશનલ કોન્ફરન્સ, PDP, RLD, CPI (ML),ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, કેરળ કોંગ્રેસ (એમ), મણિથાનેયા મક્કલ કાચી (એમએમકે), એમડીએમકે, વીસીકે, આરએસપી, કેરળ કોંગ્રેસ, કેએમડીકે, એઆઈએફબી, અપના દળ જેવા પક્ષોના નેતાઓ તેમાં ભાગ લઈ રહ્યા છે.
Advertisement