દિલ્હીઃ મહિલા અનામત બિલ પર આજથી લોકસભામાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ બિલ પર ગૃહને સંબોધતા બિલને તેમના સમર્થનની જાહેરાત કરી હતી. એટલું જ નહીં, ચર્ચામાં ભાગ લેતા પહેલા મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે આ મારા જીવનસાથી રાજીવ ગાંધીનું સપનું હતું. આ પહેલા ગઈકાલે કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે લોકસભામાં મહિલા અનામત બિલ રજૂ કર્યું હતું. આ બિલમાં મહિલાઓ માટે વિધાનસભા-લોકસભામાં 33 ટકા અનામતની માંગ કરવામાં આવી છે. આ અગાઉ સોમવારે કેન્દ્રીય કેબિનેટે મહિલા અનામત બિલને મંજૂરી આપી હતી.
Advertisement
Advertisement
લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમના સંબોધનમાં કહ્યું કે આ મારા જીવનની એક માર્મિક ક્ષણ છે. પ્રથમ વખત, સ્થાનિક સંસ્થાઓમાં મહિલાઓની ભાગીદારી નક્કી કરનાર બંધારણીય સુધારો મારા જીવન સાથી રાજીવ ગાંધી જ લાવ્યા હતા. બાદમાં, પીવી નરસિમ્હા રાવ સરકાર દરમિયાન કોંગ્રેસ દ્વારા તેને પસાર કરવામાં આવ્યું હતું. આજે તેનું પરિણામ એ છે કે આજે દેશભરની સ્થાનિક સંસ્થાઓમાં 15 લાખ ચૂંટાયેલી મહિલા નેતા છે. રાજીવ ગાંધીનું સપનું અત્યાર સુધી માત્ર અડધું જ પૂરું થયું છે, આ બિલ પસાર થવાની સાથે તે પૂરું થશે. કોંગ્રેસ પાર્ટી આ બિલને સમર્થન આપે છે. પણ મારે એક સવાલ પૂછવો છે, દેશની મહિલાઓ પોતાની રાજકીય જવાબદારી નિભાવવાની રાહ જોઈ રહી છે, પરંતુ તેના માટે હજુ કેટલા વર્ષ તેમને રાહ જોવી પડશે ? કોંગ્રેસની માંગ છે કે આ બિલ તાત્કાલિક લાગુ કરવામાં આવે અને તેની સાથે વસ્તી ગણતરી પણ કરવામાં આવે.
સોનિયા ગાંધીએ લોકસભામાં કહ્યું- હું મહિલા અનામત બિલનું સમર્થન કરું છું
લોકસભામાં મહિલા અનામત બિલ પરની ચર્ચામાં ભાગ લેતાં સોનિયા ગાંધીએ કહ્યું કે હું મહિલા અનામત બિલને સમર્થન આપું છું. સોનિયા ગાંધીએ વધુમાં કહ્યું કે બિલ પસાર કરવામાં અને તેના અમલમાં વિલંબ થશે તો તે મહિલાઓ સાથે અન્યાય થશે. અમારી માંગ છે કે આ બિલને વહેલી તકે મંજૂર કરવામાં આવે. આ ઉપરાંત તેમણે કહ્યું કે SC/STની સાથે OBC વર્ગની મહિલાઓને પણ અનામતનો લાભ મળવો જોઈએ.
ચૂંટણી સાથે આ બિલને કોઈ લેવાદેવા નથી – ભાજપ
મહિલા અનામત બિલ પર કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું કે આ બિલ પર આજે આખો દિવસ ચર્ચા કરવામાં આવશે. સવારે 11 વાગ્યે સાંજે 6 વાગ્યા સુધી ચર્ચાનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. ચૂંટણી સાથે તેને કોઈ લેવાદેવા નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ બિલ મહિલાઓના ગૌરવની સાથે-સાથે તકોની સમાનતામાં પણ વધારો કરશે. તેનાથી મહિલાઓને પ્રતિનિધિત્વ મળશે. તેમાં ચાર મહત્વના વિભાગો છે.
Advertisement