આવતા વર્ષે એટલે કે 2024માં દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. તમામ રાજકીય પક્ષો પોતપોતાની વ્યૂહનીતિ ઘડવાની કામગીરીમાં વ્યસ્ત છે. આ ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ એનડીએને હરાવવા માટે વિપક્ષના રાજકીય પક્ષોએ ‘INDIA’ગઠબંધનની રચના કરી છે. આ ગઠબંધનમાં કોંગ્રેસ, ટીએમસી અને અન્ય પક્ષો સામેલ છે. આમ આદમી પાર્ટી પણ આ ગઠબંધનમાં સામેલ છે.
Advertisement
Advertisement
દરમિયાન, આ ગઠબંધનમાં વિખવાદ સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. દિલ્હીમાં એકલા હાથે ચૂંટણી લડવાની કોંગ્રેસની જાહેરાત પછી દિલ્હી અને પંજાબમાં કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી લેનાર ‘આપ’ એ રાજસ્થાન વિધાનસભાની તમામ બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
25 ઓગસ્ટ સુધીમાં ‘આપ’ની પ્રથમ યાદી જાહેર થશે
દરમિયાન, ‘આપ’ રાજસ્થાનના પ્રદેશ અધ્યક્ષ નવીન પાલીવાલે ગઈકાલે જણાવ્યું હતું કે તેમનો પક્ષ રાજ્યની તમામ 200 બેઠકો પર વિધાનસભા ચૂંટણી લડશે. તેમણે ઉમેર્યું કે 22 ઓગસ્ટે ‘આપ’ના રાષ્ટ્રીય સંગઠન મંત્રી સંદીપ પાઠકે દિલ્હી ખાતે પક્ષની બેઠક બોલાવી છે. તેમાં ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે અને તેની યાદી રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલને સોંપવામાં આવશે. 25 ઓગસ્ટ સુધીમાં ‘આપ’ની પ્રથમ યાદી બહાર પાડવામાં આવશે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.
‘INDIA’ માટે 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી કસોટીરૂપ
દેશમાં આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી ગઠબંધન માટે કસોટીરૂપ સાબિત થશે. તમામ રાજકીય પાર્ટીઓએ તૈયારી શરુ કરી દીધી છે ત્યારે વિપક્ષી ગઠબંધન INDIA માં વિવિધ પક્ષોએ લોકસભા ચૂંટણી માટે એકબીજા સાથે હાથ મિલાવ્યા છે. પરંતુ, આ ગઠબંધનમાં નજીકના સમયમાં જ ભંગાણ થાય તેવુ લાગે છે. આ સાથે જ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પક્ષ વચ્ચે ટક્કર પણ થશે. AAP એ હવે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં તમામ 200 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. પાર્ટી ટૂંક સમયમાં જ તેના ઉમેદવારોની જાહેરાત પણ કરશે.
રાજસ્થાનના રાજકીય સમીકરણો બદલાશે
કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કરવાળા રાજ્ય રાજસ્થાનમાં ત્રીજા પક્ષના પ્રવેશથી રાજકીય સમીકરણો બદલાઈ જાય તેવી શક્યતા છે. તમામ 200 બેઠકો પર આપ ચૂંટણી લડે તો તે કોંગ્રેસ માટે વધુ ટેન્શનનો વિષય બની શકે છે, કારણ કે દિલ્હી, પંજાબ, ગોવાથી લઈને ગુજરાત સુધી એવું જોવા મળ્યું છે કે અરવિંદ કેજરીવાલની પાર્ટી ‘આપ’ એ કોંગ્રેસની વોટ બેંક કબજે કરી છે.
Advertisement