એનસીપીના વડા શરદ પવાર આજથી મહારાષ્ટ્રનો પ્રવાસ શરુ કરશે. આજે તેઓ બીડમાં જાહેરસભાને સંબોધશે. શરદ પવારની વ્યૂહનીતિ બળવાખોર ધારાસભ્યોના વિસ્તારમાં જઈને શક્તિ પ્રદર્શન કરવાની છે. તેથી તેમણે મરાઠાવાડાના બીડ વિસ્તારની પસંદગી કરી છે. આ વિસ્તાર અજીત પવાર કેમ્પમાં સામેલ ધનંજય મુંડેનો વિધાનસભા વિસ્તાર છે.
Advertisement
Advertisement
દરમિયાન, મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે એનસીપીના વડા શરદ પવારે ગઈકાલે એક પત્રકાર પરિષદને સંબોધી હતી. છત્રપતિ સંભાજી નગરમાં એનસીપીના વડા શરદ પવારે કહ્યું કે છેલ્લાં 8-10 દિવસથી હું સમગ્ર મહારાષ્ટ્રમાં પાર્ટી કાર્યકરોને મળી રહ્યો છું. બે દિવસ પહેલા ઓછામાં ઓછા 1000 લોકોએ મારી કારને સોલાપુરના સાંગોલા વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ રોકી હતી, પુણે, સતારા અને અન્ય સ્થળોએ પાર્ટીના ઘણાં કાર્યકરો મને મળવા આવ્યા હતા.
પવારે ભાજપ પર આકરા પ્રહારો કર્યા
તેમણે કહ્યું કે ઈન્ડિયા ગઠબંધનની આગામી બેઠક મુંબઈમાં યોજાશે. બીજેપી અને તેના સાથી પક્ષો તેનાથી વિપરીત કરી રહ્યા છે. અમે ભાજપ સામે લડવા માટે સફળ રણનીતિ બનાવીશું. પવારે એમ પણ કહ્યું કે ભાજપ લોકોમાં તિરાડ પાડવા માંગે છે અને ધર્મ, સમાજના આધારે લોકોને વિભાજિત કરી રહ્યો છે.
પત્રકાર પરિષદને સંબોધતા પવારે વધુમાં જણાવ્યું હતું કે ગોવા, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવી રાજ્ય સરકારોને કેવી રીતે તેઓ (ભાજપ) એ તોડી પાડી તેના ઘણાં ઉદાહરણો છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની સરકાર તોડી પાડ્યા પછી શું થયું તે સૌએ જોયું છે. દેશની સત્તા ભારતીય જનતા પાર્ટી અને તેના સાથી પક્ષોના હાથમાં છે. તેમની ભૂમિકા સમાજમાં એકતા જાળવવાની છે, પરંતુ તેઓ લોકોને વિભાજિત કરી રહ્યા છે.
શરદ પવારે કોર્ટમાં જવાની ચેતવણી આપી
શરદ પવારે વધુમાં ધમકી આપતા કહ્યું હતું કે મેં બળવાખોર જૂથને મારી તસવીર ન લગાવવાની સૂચના આપી હતી. પણ તેઓ મારી વાત સાંભળતા નથી. એટલા માટે હવે હું આ મામલે કોર્ટમાં જઈશ.
કોંગ્રેસ નેતાઓના આરોપોને નકારી કાઢ્યા
તાજેતરમાં કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે દાવો કર્યો હતો કે ભાજપ દ્વારા શરદ પવાર અથવા સુપ્રિયા સુલેને કેબિનેટ મંત્રી પદની ઓફર કરવામાં આવી છે. આ ઓફર માટે અજીત અને શરદ વચ્ચે ગુપ્ત બેઠક થઈ હતી. શરદ પવારે આ બાબતનો ઉલ્લેખ કર્યો છે અને કોંગ્રેસના નેતાના આરોપોને નકારી કાઢ્યા છે. પવારે કહ્યું કે અજિત સાથેની બેઠકમાં કોઈ રાજકીય ચર્ચા થઈ નથી, તેમણે કોઈ ઓફર આપી નથી.
Advertisement