પટણાઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર ચૂકનો મામલો બહાર આવ્યો છે. ગુરુવારે નીતિશ કુમાર મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા, ત્યારે એક બાઇક સવાર તેમની સુરક્ષા કોર્ડન તોડીને અંદર ઘૂસી ગયો હતો. તે પછી નીતિશ કુમારના સુરક્ષાકર્મીઓએ તેને પકડી લીધો હતો. કહેવાય છે કે નીતીશ કુમાર ગુરુવારે મોર્નિંગ વોક દરમિયાન મુખ્યમંત્રી આવાસથી 7 સર્ક્યુલર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન એક બાઇક સવાર ઝડપથી તેમની તરફ આવ્યો, જેથી તેઓ ફૂટપાથ પર ચડી ગયા હતા. જોકે, નીતિશ કુમારની સલામતીમાં તૈનાત સુરક્ષાકર્મીઓએ તેને પકડી લીધો હતો. આ ગંભીર ચૂક બાદ એસએસજી કમાન્ડન્ટ અને પટણા એસએસપીને મુખ્યમંત્રી આવાસ પર બોલાવવામાં આવ્યા છે.
Advertisement
Advertisement
પ્રાપ્ત માહિતી અનુસાર, સવારે લગભગ 6.45 વાગ્યે મોર્નિંગ વોક દરમિયાન એક બાઇક સવાર મુખ્યમંત્રીના સુરક્ષા કોર્ડનમાં ઘુસી ગયો હતો. એટલું જ નહીં, તે મુખ્યમંત્રીની પાસે થઈને આગળ જવાનો હતો ત્યારે તેમના સુરક્ષાકર્મીઓએ તેને પકડી લીધો હતો. અકસ્માતથી બચવા માટે નીતિશ કુમાર રોડ છોડીને ફૂટપાથ પર ચડી ગયા હતા. હાલ બાઇક સવારની પૂછપરછ કરવામાં આવી રહી છે.
સીએમના નિવાસસ્થાને બેઠક
એવી પણ માહિતી મળી રહી છે કે ઘટના બાદ સીએમએ એસએસજી કમાન્ડન્ટ અને પટણા એસએસપીને પોતાના નિવાસસ્થાને બોલાવ્યા છે અને બેઠક યોજવામાં આવી રહી છે. માનવામાં આવે છે કે બેઠકમાં આવા બાઇકર્સ સામે નિર્ણય લેવાઈ શકે છે. મામલાની માહિતી આપતા SSG કમાન્ડન્ટ હરિ મોહન શુક્લાએ કહ્યું કે હાલ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પટણામાં અગાઉથી જ આ પ્રકારના બાઇકર્સનો આતંક છે. પોશ વિસ્તારોમાં બાઇક સવારો બેદરકારીથી વાહન ચલાવે છે અને પોલીસ તેમને રોકવામાં નિષ્ક્રિયતા દાખવે છે.
નીતિશે 23 જૂને પટણામાં બોલાવી છે બેઠક
નીતિશ કુમારે 23 જૂને પટણામાં વિપક્ષી નેતાઓની બેઠક બોલાવી છે. તેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ ભાગ લેશે. આ ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, મમતા બેનરજી, ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર, અરવિંદ કેજરીવાલ, હેમંત સોરેન, સ્ટાલિન, અખિલેશ યાદવ પણ સામેલ થશે. તમામની સંમતિથી બેઠકની તારીખ નક્કી કરવામાં આવી છે. સીતારામ યેચુરી, ડી રાજા, દિપાંકર ભટ્ટાચાર્ય સહિતના ડાબેરી નેતાઓ પણ આ બેઠકમાં હાજરી આપશે.
Advertisement