લોકસભાની ચૂંટણી પહેલા આ વર્ષે વિવિધ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. પીએમ મોદી સતત રાજસ્થાનની મુલાકાત લઈને પોતાની તરફેણમાં વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ શાસક પક્ષ કોંગ્રેસ પણ વિવિધ પ્રયાસોમાં લાગેલી છે. આ દરમિયાન મુખ્યમંત્રી અશોક ગેહલોતે એક મોટી જાહેરાત કરી છે. રાજસ્થાનના લોકોને રાહત આપતા સીએમ ગેહલોતે વીજળી ગ્રાહકોને 100 યુનિટ મફત વીજળી આપવાની જાહેરાત કરી છે.
Advertisement
Advertisement
આ સંદર્ભમાં ગેહલોતે જણાવ્યું હતું કે મોંઘવારી રાહત શિબિરોનું નિરીક્ષણ કર્યા પછી અને લોકો સાથે વાત કર્યા પછી, એવો પ્રતિસાદ મળ્યો કે વીજળીના બિલમાં મળતી સ્લેબ પ્રમાણેની રાહતમાં થોડોક ફેરફાર કરવો જોઈએ. મે મહિનાના વીજ બિલમાં ફ્યુઅલ સરચાર્જ અંગે પણ જનતા પાસેથી પ્રતિસાદ મળ્યો હતો, જેના આધારે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. દર મહિને 100 યુનિટ સુધી વીજળીનો વપરાશ કરનારાઓનું વીજળીનું બિલ શૂન્ય હશે. તેઓએ કોઈ બિલ ભરવાનું રહેશે નહીં.
એક નિવેદન આપતા સીએમ ગેહલોતે વધુમાં જણાવ્યું હતું કે જે પરિવારો દર મહિને 100 યુનિટથી વધુ વપરાશ કરે છે તેમને પ્રથમ 100 યુનિટ વીજળી મફતમાં આપવામાં આવશે, એટલે કે, બિલ ગમે તેટલું આવે, પ્રથમ 100 યુનિટ માટે વીજળીના કોઈ ચાર્જની ચૂકવણી કરવી પડશે નહીં. ખાસ કરીને મધ્યમ વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને દર મહિને 200 યુનિટ સુધી વીજળીનો વપરાશ કરતા ગ્રાહકોને પ્રથમ 100 યુનિટ વીજળી મફત મળશે, સાથે 200 યુનિટ સુધીના ફિક્સ ચાર્જ, ફ્યુઅલ સરચાર્જ અને અન્ય તમામ ચાર્જ માફ કરવામાં આવશે અને તેની ચૂકવણી રાજ્ય સરકાર કરશે .
રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. ભાજપે સત્તા મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ભાજપના નેતાઓ સતત રાજ્યની મુલાકાત લઈ રહ્યા છે. બીજી તરફ સત્તાધારી કોંગ્રેસ પણ ચૂંટણીની તૈયારીઓ માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી રહી છે. કોંગ્રેસે ગેહલોત અને પાયલોટ વચ્ચે ચાલી રહેલી લડાઈને સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો છે. તાજેતરમાં, બંને નેતાઓ પાર્ટી અધ્યક્ષ ખડગેને અલગ-અલગ મળ્યા હતા અને સાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.
Advertisement