દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા બાદ હવે તેમના સંસદસભ્ય પદ વિશે મોટા સમાચાર આવી રહ્યા છે. લોકસભા સ્પીકરે તેમનું સંસદસભ્ય પદ પુનઃસ્થાપિત કરવાની મંજૂરી આપી દીધી છે. ચોમાસુ સત્ર ચાલુ છે, આ સ્થિતિમાં તેઓ ફરી એક વખત કાર્યવાહીમાં ભાગ લેતા જોવા મળશે. વિપક્ષી ગઠબંધન માટે આ મોટા સમાચાર માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, મોદી અટક કેસમાં સુરતની કોર્ટે બે વર્ષની સજા સંભળાવ્યા બાદ તેમનું સભ્યપદ છીનવી લેવામાં આવ્યું હતું. આ કેસમાં ગુજરાત હાઈકોર્ટે પણ તેમને ઝટકો આપ્યો હતો અને તેમની સજા યથાવત રાખી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટના ચુકાદા પર સવાલ ઉઠાવીને તેમની સજા પર સ્ટે લગાવી દીધો હતો.
Advertisement
Advertisement
કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓમાં ખુશીનો માહોલ
લોકસભા સચિવાલય દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યા બાદ કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓમાં ખુશીની લહેર જોવા મળી હતી. હવે રાહુલ ગાંધી ફરી એકવાર સંસદમાં જોવા મળશે. હાલના ચોમાસુ સત્રમાં જ તેઓ ગૃહમાં જોવા મળી શકે છે. કોર્ટના નિર્ણય બાદ કોંગ્રેસ તેમનું સભ્યપદ પરત મેળવવા માટે સતત પ્રયાસ કરી રહી હતી. તમામ દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મામલો લોકસભા અધ્યક્ષની મંજૂરી માટે જ અટક્યો હતો. હવે આ મંજૂરી મળતાં જ રાહુલ માટે સંસદમાં પહોંચવાનો રસ્તો સાફ થઈ ગયો છે.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
સુપ્રીમ કોર્ટે વચગાળાના આદેશમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને તેમની ‘મોદી સરનેમ’ ટિપ્પણી પર ફોજદારી માનહાનિના કેસમાં દોષી ઠેરવવા પર રોક લગાવી દીધી છે. કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને રાહત આપતા કહ્યું કે ટ્રાયલ કોર્ટના આદેશની અસર વ્યાપક છે. તેનાથી ન માત્ર રાહુલ ગાંધીનો જાહેર જીવનમાં ચાલુ રહેવાનો અધિકાર પ્રભાવિત થયો, પરંતુ તેમને ચૂંટી કાઢનારા મતદારોના અધિકાર પર પણ અસર પડી. ‘મોદી’ અટક ટિપ્પણીના કેસમાં, સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે ટ્રાયલ કોર્ટના જજ દ્વારા મહત્તમ સજા સંભળાવવા માટે કોઈ કારણ આપવામાં આવ્યું નથી, અંતિમ ચુકાદો આવે ત્યાં સુધી દોષી ઠેરવવાના આદેશ પર સ્ટે મૂકવાની જરૂર છે.
શું છે સમગ્ર મામલો ?
2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકમાં એક રેલી દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમ પર ટિપ્પણી કરી હતી. ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ આ ટિપ્પણી સામે ફરિયાદ દાખલ કરી હતી. ચાર વર્ષ પછી, 23 માર્ચ, 2023 ના રોજ, ગુજરાતની સુરત કોર્ટે રાહુલ ગાંધીને ગુનાહિત માનહાનિ માટે દોષી ઠેરવ્યા અને તેમને બે વર્ષની જેલની સજા સંભળાવી હતી. નીચલી કોર્ટના નિર્ણય સામે રાહુલ ગાંધીએ ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. પરંતુ ત્યાંથી પણ તેમને રાહત મળી ન હતી.
Advertisement