દિલ્હીઃ તાજેતરમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બેરોજગારી અને મોંઘવારીનો મુદ્દો ઉઠાવીને આનંદ વિહાર રેલ્વે સ્ટેશન પર કુલીઓ સાથેની વાતચીતનો એક વીડિયો શેર કર્યો હતો. રાહુલ ગાંધીએ રેલવે સ્ટેશન પર કુલીઓની સમસ્યા સાંભળી હતી. રાહુલ ગાંધીએ તેમનો યુનિફોર્મ પહેરીને સામાન પણ ઉપાડ્યો હતો. કુલીઓ સાથે મુલાકાત બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુરુવારે દિલ્હીના કીર્તિનગર સ્થિત ફર્નિચર માર્કેટ પહોંચ્યા હતા અને ત્યાંના કારીગરોને મળ્યા હતા.
Advertisement
Advertisement
કોંગ્રેસ નેતા અવારનવાર વિવિધ ક્ષેત્રમાં કાર્યરત લોકોની મુલાકાત લેતા હોય છે. અગાઉ, મોટરસાઈકલ મિકેનિકો, શાકબજારમાં શાકભાજી વેચનારા લોકો અને કુલીઓ સાથે મુલાકાત કર્યા પછી આજે રાહુલ ગાંધીએ સુથાર ભાઈઓ સાથે મુલાકાત કરી હતી. રાહુલ ગાંધીએ ટ્વિટર પર આ વિશે માહિતી આપી હતી. ટ્વિટર પર તેમણે લખ્યું કે, “એશિયાના સૌથી મોટા ફર્નિચર માર્કેટમાં ગયા અને આજે સુથાર ભાઈઓને મળ્યા. મહેનતુ હોવા ઉપરાંત તેઓ એક અદભૂત કલાકારો પણ છે. મજબૂત અને સુંદરતાનું નક્શીકામ કરવામાં નિષ્ણાત. ઘણી વાતો થઈ, તેમના હુન્નર વિશે થોડું જાણ્યું અને થોડું શીખવાનો પ્રયત્ન કર્યો.”
અગાઉ કુલીઓને મળ્યા
આ પહેલા રાહુલ ગાંધી ગયા અઠવાડિયે 21 સપ્ટેમ્બરના રોજ દિલ્હીના આનંદ વિહાર રેલ્વે સ્ટેશન પર પહોંચ્યા હતા અને ત્યાં કુલીઓને મળ્યા હતા. તેમણે કુલીઓ સાથે વાત કરી અને તેમની સમસ્યાઓ સાંભળી. આ દરમિયાન રાહુલે કુલીનો ડ્રેસ પહેરીને મુસાફરોનો સામાન પણ ઉપાડ્યો હતો. કુલીઓ સાથેની વાતચીતનો એક વીડિયો પણ રાહુલ ગાંધીએ શેર કર્યો હતો અને કહ્યું હતું કે તેમની પાસે કોઈ પગાર નથી, પેન્શન નથી, કોઈ સ્વાસ્થ્ય વીમો નથી અને રેલવે તરફથી કોઈ સરકારી સુવિધાઓ નથી, તે છતાં તેમને આશા છે કે સમય બદલાઈ જશે.
રાહુલ મોટરસાઇકલ મિકેનિકને મળ્યા હતા
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી 27 જૂને કરોલ બાગ પણ પહોંચ્યા હતા અને ત્યાં મોટરસાઇકલ મિકેનિકને મળ્યા હતા. ત્યારબાદ તેમણે મિકેનિક્સ સાથેની તેમની વાતચીતની તસવીરો ફેસબુક પર પોસ્ટ કરી અને લખ્યું – એવા હાથો પાસેથી શીખવું જે રિન્ચ ફેરવે છે અને ભારતના વ્હીલ્સને ગતિમાન રાખે છે. આ અગાઉ રાહુલ ગાંધી દિલ્હીથી ચંદીગઢના પ્રવાસ દરમિયાન ટ્રકમાં મુસાફરી કરતા જોવા મળ્યા હતા. રાહુલ ગાંધીએ ટ્રક ચાલકો સાથે અનેક મુદ્દા પર વાત કરી અને તેમની સમસ્યાઓ સાંભળી. એટલું જ નહીં કર્ણાટકમાં ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી બેંગલુરુમાં ડિલિવરી બોય સાથે સ્કૂટર ચલાવતા જોવા મળ્યા હતા, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
Advertisement