અયોધ્યામાં રામજન્મભૂમિની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભગવાન રામના નિર્માણાધીન મંદિરનું ઉદ્ઘાટન આવતા વર્ષે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં થવાની સંભાવના છે. આ સમારોહમાં પાંચ લાખથી વધુ ભક્તો આવવાની અપેક્ષા છે. સમારોહ દરમિયાન પીએમ મોદી ઉપરાંત અન્ય વીવીઆઈપી અને લગભગ દસ હજાર લોકો પણ રામજન્મભૂમિ સંકુલમાં હાજર રહે તેવી શક્યતા છે. દરમિયાન, મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ટૂંકના સમયમાં રામલલાના દર્શન કરવા માટે જશે તેવી શક્યતા છે.
Advertisement
Advertisement
રાહુલ ગાંધીના મુખ્ય સલાહકારની અયોધ્યા મુલાકાતથી ચર્ચા
મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના મુખ્ય સલાહકાર અને રાજીવ ગાંધી ફાઉન્ડેશનના સીઈઓ વિજય મહાજનની ગઈકાલની અયોધ્યાની ગુપ્ત મુલાકાતને લીધે આ શક્યતા વિશે ચર્ચા થઈ રહી છે. તેમની આ મુલાકાત દરમિયાન વિજય મહાજન કેટલાંક સંતો અને રામજન્મભૂમિના મુખ્ય આચાર્ય સત્યેન્દ્રદાસને મળવા માટે રામઘાટ સ્થિત તેમના આશ્રમ ખાતે પહોંચ્યા હતા.
જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં ભવ્ય કાર્યક્રમ
રામ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ અંગે ટ્રસ્ટના મહામંત્રી સંપત રાયે જણાવ્યું હતું કે, શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સાધુ સંતો અને મહાનુભાવોને આમંત્રણ આપવા માટેની તૈયારી શરૂ કરી દીધી છે. રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં 21થી 23 દરમિયાન યોજાશે. તેમણે કહ્યું હતું કે, આ કાર્યક્રમને રાજકારણથી અલગ રખાશે. તમામ પક્ષોના નેતાઓને આમંત્રણ અપાશે. કાર્યક્રમમાં કોઈ મંચ નહીં હોય. કોઈ જાહેર બેઠકનું આયોજન થશે નહીં. માત્ર ધાર્મિક વિધિવિધાનથી ભગવાન શ્રીરામના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે.
SSF જવાનો મંદિરની સુરક્ષા સંભાળશે
મંદિરની સુરક્ષા માટે વિશેષ રીતે પ્રશિક્ષિત SSF જવાનોને તૈનાત કરવામાં આવશે. જ્યારે કેમ્પસના વિવિધ ભાગોની સુરક્ષાની જવાબદારી SSF જવાનોની અલગ-અલગ ટુકડીઓને સોંપવામાં આવશે. આ જવાનો આધુનિક હથિયારોથી સજ્જ હશે. સમગ્ર સંકુલની દેખરેખ માટે આધુનિક કંટ્રોલરૂમ પણ લગભગ તૈયાર છે. 77 કરોડમાં અત્યાધુનિક હથિયારો પણ ખરીદવામાં આવ્યા છે. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્કવોડ પણ કેમ્પસમાં કાયમી રીતે તૈનાત કરવામાં આવી રહી છે.
Advertisement