દિલ્હીઃ સંસદનું પાંચ દિવસનું વિશેષ સત્ર આજથી શરૂ થયું છે. સંસદના પ્રથમ દિવસની કાર્યવાહી જૂના સંસદ ભવનમાં થશે જ્યારે બીજા દિવસની કાર્યવાહી નવા સંસદ ભવન ખાતે થશે. સંસદનું વિશેષ સત્ર આજથી શરૂ થયું છે જે 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. સંસદની કાર્યવાહી શરૂ થતાં પહેલા પીએમ મોદીએ મીડિયાને સંબોધતા વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા.
Advertisement
Advertisement
વિશેષ સત્ર પહેલા મીડિયા સાથે વાત કરતાં પીએમ મોદીએ કહ્યું કે ચંદ્ર મિશનની સફળતા ચંદ્રયાન-3, આપણો ત્રિરંગો ફરકી રહ્યો છે. શિવ શક્તિ પોઈન્ટ નવી પ્રેરણાનું કેન્દ્ર બન્યું છે. તિરંગા પોઈન્ટ આપણને ગર્વથી ભરી રહ્યું છે, જી-20માં ગ્લોબલ સાઉથનો અવાજ બનવા પર ભારતને હંમેશા ગર્વ રહેશે. આફ્રિકન યુનિયનનું કાયમી સભ્યપદ અને જી-20માં સર્વસંમતિ સાથેનું ઘોષણાપત્ર, આ તમામ બાબતો ભારતના ઉજ્જવળ ભવિષ્યના સંકેત આપી રહી છે.
આ ઉપરાંત, પીએમ મોદીએ કહ્યું કે એ વાત સાચી છે કે સંસદનું આ સત્ર નાનું છે પરંતુ સમયની દૃષ્ટિએ ઘણું મોટું છે. આ ઐતિહાસિક નિર્ણયોનું સત્ર છે. હું તમામ સાંસદોને અનુરોધ કરું છું કે આ નાનું સત્ર છે, તેમનો વધુમાં વધુ સમય મળે અને ઉત્સાહ તથા ઉમંગના વાતાવરણમાં મળવું જોઈએ. રોવાધોવા માટે તો ઘણો સમય હોય છે.
સંસદની 75 વર્ષની સફર પર ચર્ચા થશે
અહેવાલો અનુસાર, પાંચ દિવસીય વિશેષ સત્રના પહેલા દિવસે સંસદની 75 વર્ષની સફર પર ચર્ચા કરવામાં આવશે. સંસદીય બુલેટિન અનુસાર, પ્રથમ દિવસે સંસદીય સફરની 75 વર્ષની સિદ્ધિઓ, અનુભવો અને સ્મૃતિઓ પર ચર્ચા કરવામાં આવશે. આ સાથે પાંચ દિવસના સત્રમાં પોસ્ટ ઓફિસ બિલ 2023, મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક સંબંધિત બિલ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત, એડવોકેટ્સ (એમેન્ડમેન્ટ) બિલ 2023 અને પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઑફ પીરિયોડિકલ્સ બિલ પણ રજૂ કરવામાં આવશે.
વિશેષ સત્ર પાંચ દિવસ સુધી ચાલશે
જાણકારી અનુસાર, સરકાર 18 થી 22 સપ્ટેમ્બર સુધી ચાલનારા સંસદના વિશેષ સત્રના છેલ્લાં ત્રણ દિવસમાં જ ગૃહમાં આ બિલને રજૂ કરશે. ભાજપે સંસદના વિશેષ સત્ર માટે લોકસભા અને રાજ્યસભામાં તેના તમામ સાંસદોને વ્હીપ જાહેર કર્યો છે.
Advertisement