નવી દિલ્હીઃ આજથી સંસદનું પાંચ દિવસનું વિશેષ સત્ર શરૂ થયું છે. જૂના સંસદ ભવનમાં જ આજે ગૃહની કાર્યવાહી ચાલી રહી છે. પરંતુ બીજા દિવસની કાર્યવાહી નવા બિલ્ડીંગમાં થશે, આજે સંસદમાં 75 વર્ષની સંસદીય યાત્રા પર ચર્ચા થઈ હતી જેની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. આ પ્રસંગે પીએમ મોદીએ ભાવુક થઈને કહ્યું કે જ્યારે હું પહેલીવાર સંસદનો સભ્ય બન્યો અને પહેલીવાર જ્યારે હું સાંસદ તરીકે આ બિલ્ડીંગમાં પ્રવેશ્યો ત્યારે સ્વાભાવિક રીતે જ મેં માથું નમાવીને આ ગૃહમાં પહેલું પગલું ભર્યું હતું. એ ક્ષણ મારા માટે લાગણીઓથી ભરેલી હતી.
Advertisement
Advertisement
જૂના સંસદ ભવનમાં સંસદના વિશેષ સત્રને સંબોધતા પીએમ મોદીએ વધુમાં કહ્યું કે દેશની 75 વર્ષની સંસદીય સફર ફરી એકવાર યાદ કરવાનો અને નવા ગૃહમાં જતા પહેલા તે પ્રેરણાદાયી ક્ષણો, ઈતિહાસની મહત્વપૂર્ણ ક્ષણોને યાદ કરતા આગળ વધવાની આ તક છે. આપણે બધા આ ઐતિહાસિક ઇમારતથી વિદાય થઈ રહ્યા છીએ. આઝાદી પહેલા, આ ગૃહ શાહી વિધાન પરિષદનું સ્થળ હતું, આઝાદી પછી તેને સંસદ ભવન તરીકે માન્યતા ઓળખ મળી. એ વાત સાચી છે કે આ ઈમારત (જૂનું સંસદ ભવન) બાંધવાનો નિર્ણય વિદેશી શાસકોનો હતો પણ આપણે આ વાત ક્યારેય ભૂલી શકીએ તેમ નથી અને ગર્વ સાથે કહી શકીએ કે આ ઈમારતના નિર્માણમાં મારા દેશવાસીઓનો પરસેવો પડ્યો છે, મહેનત છે. મહેનત મારા દેશવાસીઓની હતી અને પૈસા પણ મારા દેશના લોકોના હતા.
વિશેષ સત્રને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે 75 વર્ષની આપણી આ સફરમાં અનેક લોકતાંત્રિક પરંપરાઓ અને પ્રક્રિયાઓનું ઉત્તમથી ઉત્તમ સર્જન થયું છે અને આ ગૃહમાં હાજર દરેક વ્યક્તિએ સક્રિયપણે યોગદાન આપ્યું છે અને તેને સાક્ષીભાવે નિહાળી પણ છે. આપણે ભલે નવી ઈમારતમાં જઈએ પરંતુ જૂની ઈમારત એટલે કે આ ઈમારત આવનારી પેઢીઓને હંમેશા પ્રેરણા આપતી રહેશે.
આ ઉપરાંત, તેમણે કહ્યું કે આજે તમે એકસૂરે G-20ની સફળતાની પ્રશંસા કરી છે… હું તમારો આભાર વ્યક્ત કરું છું. જી-20ની સફળતા દેશના 140 કરોડ નાગરિકોની સફળતા છે. આ ભારતની સફળતા છે, કોઈ વ્યક્તિ કે પક્ષની નહીં… આ આપણા સૌને માટે ઉજવણી કરવાનો વિષય છે.
આ ગૃહથી વિદાય લેવી એ ખૂબ જ ભાવનાત્મક ક્ષણ છે, પરિવાર પણ જૂનું ઘર છોડીને નવા ઘરે જાય છે, તો ઘણી યાદો તેને થોડી ક્ષણો માટે હચમચાવી દે છે અને જ્યારે આપણે આ ઘર છોડીને જઈ રહ્યા છીએ ત્યારે આપણું મન અને મગજ પણ લાગણીઓ, અને ઘણી બધી સ્મૃતિઓથી ભરાયેલું છે. ઉત્સવ-ઉમંગ- ખાટી અને મીઠી ક્ષણો – ઝઘડા આ યાદો સાથે સંકળાયેલા છે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે રેલ્વે પ્લેટફોર્મ પર રહેતો એક ગરીબ પરિવારનો છોકરો ક્યારેય સંસદમાં પ્રવેશી શકશે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મને લોકોનો આટલો પ્રેમ મળશે.
સંસદના વિશેષ સત્રને સંબોધતા પીએમ એ કહ્યું કે આ બિલ્ડિંગમાં જ બે વર્ષ અને 11 મહિના સુધી બંધારણ સભાની બેઠકો યોજાઈ હતી અને તેમણે આપણને બંધારણ આપ્યું હતું, જે દેશ માટે માર્ગદર્શક છે. જે આજે પણ આપણને ચલાવે છે. આપણું બંધારણ અમલમાં આવ્યું, આ 75 વર્ષમાં સૌથી મોટી સિદ્ધિ દેશના સામાન્ય માણસનો આ સંસદમાં વિશ્વાસ વધ્યો તે છે.
Advertisement