દિલ્હીઃ સંસદના વિશેષ સત્રની કાર્યવાહી 18 સપ્ટેમ્બરે જૂના સંસદભવનમાં જ શરૂ થશે. જ્યારે ગણેશ ચતુર્થીના દિવસે એટલે કે 19 સપ્ટેમ્બરે તેને નવા સંસદ ભવન ખાતે શિફ્ટ કરવામાં આવશે. આ સત્ર 22 સપ્ટેમ્બર સુધી ચાલશે.
Advertisement
Advertisement
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સંસદનું વિશેષ સત્ર 18 સપ્ટેમ્બરે જૂના સંસદભવનમાં શરૂ થશે અને બાદમાં ગણેશ ચતુર્થીના અવસર પર 19 સપ્ટેમ્બરે નવા સંસદ ભવન ખાતે શિફ્ટ કરવામાં આવશે. આ માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે 28 મેના રોજ પીએમ નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું અને તેને દેશવાસીઓને સમર્પિત કર્યું હતું.
નવા સંસદ ભવનનું નિર્માણ ક્યારે શરૂ થયું ?
5 ઓગસ્ટ, 2019 ના રોજ, લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોએ સરકારને નવા સંસદ ભવનના નિર્માણ માટે વિનંતી કરી હતી. આ પછી, 10 ડિસેમ્બર 2020 ના રોજ વડા પ્રધાન મોદીએ નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો. નવનિર્મિત સંસદ ભવન રેકોર્ડ સમયમાં ગુણવત્તા સાથે તૈયાર કરી દેવામાં આવ્યું છે.
નવા અને જૂના ભવન વચ્ચે શું તફાવત છે ?
સંસદનું હાલનું બિલ્ડિંગ 1927માં બનીને તૈયાર થયું હતપં, જે હવે લગભગ 100 વર્ષ જૂનું થવા જઈ રહ્યું છે. હાલની જરૂરિયાત મુજબ આ ભવનમાં જગ્યાનો અભાવ હતો. બંને ગૃહમાં સાંસદોને બેસવા માટેની સુવિધાજનક વ્યવસ્થા પણ ઓછી પડી રહી હતી. તેને ધ્યાનમાં રાખીને, લોકસભા અને રાજ્યસભા બંનેએ સંસદ માટે નવું બિલ્ડિંગ બાંધવા સરકારને વિનંતી કરતા ઠરાવ પસાર કર્યા હતા. સંસદનું નવનિર્મિત ભવન ભારતની ગૌરવશાળી લોકશાહી પરંપરાઓ અને બંધારણીય મૂલ્યોને વધુ સમૃદ્ધ બનાવવાનું કામ કરશે.
નવું સંસદભવન અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ છે, જે સભ્યોને તેમના કાર્યો વધુ સારી રીતે કરવામાં મદદરૂપ થશે. નવા સંસદ ભવનમાં 888 સભ્યો લોકસભામાં બેસી શકશે. સંસદના હાલના ભવનમાં લોકસભામાં 543 સભ્યો જ્યારે રાજ્યસભામાં 250 સભ્યોને બેસવાની વ્યવસ્થા છે. ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સંસદના નવનિર્મિત બિલ્ડિંગમાં લોકસભામાં 888 અને રાજ્યસભામાં 384 સભ્યોની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. બંને ગૃહોનું સંયુક્ત સત્ર લોકસભા ચેમ્બરમાં યોજાશે.
Advertisement