દેશમાં આવતા વર્ષે લોકસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. તેવામાં વિપક્ષી પાર્ટીઓનું મહાગઠબંધન (INDIA)સતત સમાચારોમાં છવાયેલું છે. આ ચર્ચાનું મુખ્ય કારણ આ મહાગઠબંધનના સંયોજકનું પદ છે. મહાગઠબંધનની રચના થઈ ત્યારથી જ એવી અટકળો ચાલી રહી હતી કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને આ મહાગઠબંધનના સંયોજક બનાવવામાં આવી શકે છે. જો કે આ અટકળો વચ્ચે નીતિશ કુમારે ટૂંકમાં કહી દીધું કે તેઓ આ મહાગઠબંધનના કન્વીનર બનવા માંગતા નથી.
Advertisement
Advertisement
મુંબઈમાં INDIA ગઠબંધનની આગામી બેઠક પહેલા બિહારના સીએમ નીતિશ કુમારે કહ્યું કે મારે કંઈ બનવું નથી. આ વાત હું તમને વારંવાર કહેતો આવ્યો છું. મારી આવી કોઈ ઈચ્છા નથી. હું ફક્ત બધાને એક કરવા માંગુ છું. બિહારના સીએમ નીતિશ કુમારે દાવો કર્યો હતો કે મુંબઈમાં યોજાનારી બેઠકમાં કેટલાંક અન્ય પક્ષો પણ ભાગ લેવા જઈ રહ્યા છે.
બેઠકોની વહેંચણી જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે
પટણામાં પત્રકારો સાથે વાત કરતા નીતિશ કુમારે કહ્યું કે મુંબઈમાં આગામી બેઠક દરમિયાન અમે આગામી વર્ષની સામાન્ય ચૂંટણીઓ માટે ‘INDIA’ની વ્યૂહનીતિ વિશે ચર્ચા કરીશું. બેઠકોની ફાળવણી જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે અને અન્ય ઘણાં એજન્ડાને આખરી ઓપ આપવામાં આવશે. તેમણે કહ્યું કે તેઓ 2024ની લોકસભા ચૂંટણી પહેલા શક્ય તેટલી વધુ પાર્ટીઓને એક કરવા માંગે છે. હું આ દિશામાં કામ કરી રહ્યો છું.
નીતિશને મોટી જવાબદારી મળી શકે
વિપક્ષી પાર્ટીના નવા ગઠબંધન ‘INDIA’ના નામ પર નારાજગી વ્યક્ત કરનારા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને મોટી ભેટ મળી શકે છે. મુંબઈમાં યોજાનારી વિરોધ પક્ષની આગામી અને ત્રીજી બેઠકમાં નીતિશ કુમારને કન્વીનર જાહેર કરવામાં આવી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નીતિશને કન્વીનર બનાવવાની બાબતને આખરી ઓપ આપવામાં આવ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ કહ્યું હતું કે અમે સંયોજકોના નામ પર ચર્ચા કરીશું અને તેમના નામની જાહેરાત કરીશું.
Advertisement