દેશના પૂર્વી રાજ્ય મણિપુરમાં છેલ્લાં ત્રણ મહિનાથી હિંસા થઈ રહી છે અને વિપક્ષ આ મુદ્દે સંસદમાં પણ હોબાળો મચાવી રહ્યો છે અને સતત કેન્દ્ર અને મોદી સરકાર પાસે જવાબ માંગી રહ્યો છે. દરમિયાન, માહિતી સામે આવી રહી છે કે સોમવારે બંગાળ વિધાનસભામાં મણિપુર હિંસા અંગેનો એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. ભાજપના ધારાસભ્યોએ આરોપ મૂક્યો છે કે તેમને ગૃહમાં બોલવાની તક આપવામાં આવી નથી.
Advertisement
Advertisement
પ્રસ્તાવ રજૂ થયા બાદ ભાજપના ધારાસભ્યને બોલવાની પરવાનગી અપાઈ
આ પ્રસ્તાવ રજૂ થયા બાદ ભાજપના ધારાસભ્યને બોલવાની પરવાનગી આપવામાં આવી હતી. ભાજપના ધારાસભ્ય શંકર ઘોષે કહ્યું કે અગાઉ બે કલાકનો સમય આપવામાં આવ્યો હતો, જે ગૃહની સહમતિથી ઘટાડીને એક કલાક કરવામાં આવ્યો હતો. બીજી તરફ ભાજપના હિરણ્મય ચટ્ટોપાધ્યાયે કહ્યું કે ટુકડે-ટુકડે ગેંગ અને I.N.D.I.A. એક સરખાં જ છે. જો મણિપુરની ચર્ચા થઈ રહી છે તો રાજસ્થાનની ચર્ચા કેમ નથી થતી ? તમને તમારા રાજ્યની હાલત દેખાતી નથી. મમતા બેનરજીને મણિપુર, યુપી, મહારાષ્ટ્ર, આસામ તો દેખાય છે પરંતુ બંગાળની હિંસા દેખાતી નથી.
કોઈપણ રાજ્યને ચર્ચા કરવાનો અધિકાર નથીઃ શુભેન્દુ અધિકારી
ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ કહ્યું, “મણિપુર અન્ય રાજ્ય અને વિધાનસભાનો મામલો છે. કોઈ સમસ્યા હોય તો તેના પર સંસદમાં ચર્ચા થઈ શકે છે, પરંતુ કોઈપણ રાજ્યને તેના પર ચર્ચા કરવાનો અધિકાર નથી. આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે અને સુનાવણી ચાલી રહી છે. તમે રાજકીય લાભ માટે આવું કર્યું છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે મેં ગૃહની અંદર જોરદાર વિરોધ કર્યો અને બહાર પણ દેખાવો કરીશ. ટીએમસીએ ગેરકાયદેસર કામ કર્યું છે. અમારો મત આપવાનો અધિકાર છીનવાઈ ગયો છે.
પશ્ચિમ બંગાળ વિધાનસભામાં મણિપુર મુદ્દે ઠરાવ રજૂ થયા બાદ મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ પોતાની વાત કરી હતી. સીએમ મમતાએ કહ્યું કે વિપક્ષ વાહિયાત વાતો કરી રહ્યો છે. ભાજપને કોઈ કશું કહી શકે નહીં. મીડિયાની સ્વતંત્રતા સાથે ચેડાં થઈ રહ્યા છે અને ભારત સળગી રહ્યું છે. ભાજપ બેટી જલાઓ અને બેટી હટાઓ કરી રહી છે. મારે ભાજપ પાસેથી જ્ઞાન લેવાની જરૂર નથી.
Advertisement