આ વર્ષના અંતમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, તે પહેલા પીએમ મોદી ચૂંટણી રાજ્યોની મુલાકાત લઈ રહ્યા છે. આજે પીએમ મોદી સવારે મધ્યપ્રદેશ પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમણે છત્તીસગઢના રાયગઢમાં રોડ શો કર્યો હતો. ત્યાર બાદ વિજય શંખનાદ રેલીને સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે એક સમય હતો જ્યારે છત્તીસગઢ માત્ર નક્સલવાદી હુમલા અને હિંસા માટે જાણીતું હતું. પરંતુ ભાજપ સરકારના પ્રયાસો બાદ આજે છત્તીસગઢની ઓળખ અહીં થયેલા વિકાસ કાર્યોથી થઈ રહી છે.
Advertisement
Advertisement
આ ઉપરાંત તેમણે કહ્યું કે, હાલ સમગ્ર દેશમાં તહેવારનો માહોલ છે, આવી સ્થિતિમાં દરેક ખુશી બમણી થઈ ગઈ છે. થોડા દિવસો પહેલા જ આપણા વૈજ્ઞાનિકોએ ભારતને ચંદ્ર પર પહોંચાડ્યું હતું. ભારતનું ચંદ્રયાન જ્યાં દુનિયાનો કોઈ દેશ નથી પહોંચી શક્યો, ત્યાં પહોંચ્યું હતું. જેમ છત્તીસગઢમાં કહેવાય છે- છત્તીસગઢિયા સબસે બઢિયા, તેવી જ રીતે આજે દુનિયા કહી રહી છે કે ભારતનું ચંદ્રયાન સબસે બઢિયા.
પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા
આ અવસરે પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ જે રીતે કૌભાંડોની રાજનીતિ કરે છે તેમાં માત્ર તેના નેતાઓની તિજોરીઓ જ ભરાય છે. છત્તીસગઢની કોંગ્રેસ સરકાર ગરીબ કલ્યાણમાં ભલે પાછળ હોય પરંતુ ભ્રષ્ટાચારમાં સતત આગળ વધી રહી છે. જરા વિચારો, જો કોઈ ગાયના છાણમાં પણ ભ્રષ્ટાચાર કરે છે તો તેની માનસિકતા કેવી હશે. છત્તીસગઢની ખનીજ સંપત્તિનો ઉપયોગ કોંગ્રેસના ATMની જેમ થઈ રહ્યો છે. ખોટો પ્રચાર અને બેફામ ભ્રષ્ટાચાર એ જ છત્તીસગઢ કોંગ્રેસની ઓળખ છે. તેઓ તો કહે છે કે ઘણાં વર્ષો પછી તક મળી છે, ભવિષ્યમાં મળવાની નથી, આ જ સમય છે, જેટલું લૂંટાય તેટલું લુંટો, કોંગ્રેસ અને ભાજપનો ટ્રેક રેકોર્ડ તમારી સામે છે.
સનાતન સંસ્કૃતિને ખતમ કરવાનો પ્રયાસ
આ સિવાય પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષી ગઠબંધને નક્કી કર્યું છે કે તેઓ ભારતની સનાતન સંસ્કૃતિને ખતમ કરશે, એટલે કે જે સંસ્કૃતિએ હજારો વર્ષોથી ભારતને એક કર્યું છે, આ લોકો સત્તાની લાલચમાં તેને તોડવા માંગે છે. સનાતન સંસ્કૃતિ એ છે જેમાં ભગવાન રામ શબરીને મા કહીને તેના એંઠા બોર ખાવાનો આનંદ લે છે. આ સિવાય પીએમ મોદીએ કહ્યું કે મેં તમને ગેરંટી આપી હતી કે હું દેશના ગરીબોને સશક્ત બનાવીશ. માત્ર પાંચ વર્ષમાં 13.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવી ગયા છે. આવું એટલા માટે થયું કારણ કે ભાજપ સરકારે ગરીબોના હિતમાં યોજનાઓ બનાવી હતી. ભાજપે ગરીબોને ગરીબી સામે લડવાના સાધન આપ્યા.
Advertisement