દિલ્હી: સંસદના ચોમાસુ સત્રનો આજે છેલ્લો દિવસ હતો. કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે હોબાળો મચાવ્યો હતો, જેના કારણે ઘણી વખત કાર્યવાહી અટકાવી દેવી પડી હતી. મોનસૂન સત્રની સમાપ્તિ બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદને સંબોધતા મણિપુર મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે મણિપુર સળગી રહ્યું છે અને તેઓ ગૃહમાં જોક્સ સંભળાવી રહ્યા છે.
Advertisement
Advertisement
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ગૃહની કાર્યવાહી બાદ પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે ગઈકાલે પીએમ મોદી સંસદમાં લગભગ 2 કલાક 13 મિનિટ સુધી બોલ્યા હતા. અંતે તેમણે મણિપુર પર 2 મિનિટ સુધી વાત કરી, મહિનાઓથી મણિપુર સળગી રહ્યું છે, લોકોની હત્યા થઈ રહી છે, દુષ્કર્મ થઈ રહ્યા છે પરંતુ વડાપ્રધાન હસતા હતા, જોક્સ કહી રહ્યા હતા. તે તેમને માટે શોભાસ્પદ નથી. ભારતીય સેના તેને બે દિવસમાં અટકાવી શકે છે. પરંતુ પીએમ મણિપુરને સળગાવવા માંગે છે અને આગ ઓલવવા માંગતા નથી.
મણિપુર હિંસા પર બોલતા રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે 19 વર્ષના અનુભવમાં મેં મણિપુરમાં જે જોયું અને સાંભળ્યું છે, તે પહેલાં ક્યારેય જોયું નથી. મેં સંસદમાં કહ્યું હતું કે, પીએમ અને ગૃહમંત્રીએ ભારત માતાની હત્યા કરી છે, મણિપુરમાં ભારતને ખતમ કરી દીધું છે. આ પોકળ શબ્દો નથી. મણિપુરમાં, જ્યારે અમે મૈતેઇ વિસ્તારની મુલાકાત લીધી ત્યારે અમને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે અમારી સુરક્ષા ટીમમાં કોઈ કૂકી હોય તો તેને અહીં લાવવો નહીં. કારણ કે તેઓ તે વ્યક્તિને મારી નાખશે. જ્યારે અમે કુકી વિસ્તારમાં ગયા ત્યારે અમને કહેવામાં આવ્યું કે જો અમે કોઈ પણ મૈતેઈ વ્યક્તિને લાવીશું તો તેઓ તેને ગોળી મારી દેશે. તેથી તે એક રાજ્ય નથી, તે બે રાજ્ય છે. રાજ્યની હત્યા કરવામાં આવી છે અને તેની હિંમત વધારવામાં આવી છે.
પીએમ મોદી પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે વડાપ્રધાન ઓછામાં ઓછું મણિપુર જઈ શક્યા હોત, સમુદાયો સાથે વાતચીત કરી શક્યા હોત અને કહી શક્યા હોત કે હું તમારો પીએમ છું, ચાલો વાત શરૂ કરીએ. પરંતુ મને એવો કોઈ ઈરાદો દેખાતો નથી. સવાલ એ નથી કે શું પીએમ મોદી 2024માં પીએમ બનશે કે કેમ, સવાલ મણિપુરનો છે જ્યાં બાળકો અને લોકોની હત્યા થઈ રહી છે. હું જાણું છું કે મીડિયા નિયંત્રણમાં છે, રાજ્યસભા, લોકસભા ટીવી નિયંત્રણ હેઠળ છે. પરંતુ હું મારું કામ કરી રહ્યો છું અને કરતો રહીશ. જ્યાં પણ ભારત માતા પર હુમલો થશે, તમે મને ત્યાં હાજર અને ભારત માતાની રક્ષા કરતા જોશો.
Advertisement