દિલ્હીઃ સંસદના વિશેષ સત્રનો આજે બીજો દિવસ છે. આજથી સંસદની નવી ઇમારતમાં સંસદની કાર્યવાહી શરૂ થઈ છે. આ પહેલા જૂના સંસદ ભવન પાસે તમામ સાંસદોનું ફોટો સેશન કરવામાં આવ્યું હતું. આ અગાઉ સેન્ટ્રલ હોલમાં જૂની ઈમારતના વિદાય સમારંભને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે નવા સંસદભવનમાં આપણે સૌ સાથે મળીને નવા ભવિષ્યના શ્રી ગણેશ કરવા જઈ રહ્યા છીએ. આજે આપણે વિકસિત ભારતના સંકલ્પને દોહરાવી ફરી સંકલ્પબદ્ધ થવાના આશય સાથે અને તેને પૂર્ણ કરવા માટે પૂરા દિલથી કામ કરવાના ઈરાદા સાથે નવી ઇમારત તરફ પ્રસ્થાન કરી રહ્યા છીએ.
Advertisement
Advertisement
પીએમ મોદીએ તેમના સંબોધનમાં વધુમાં કહ્યું કે આ બિલ્ડિંગ અને તે પણ સેન્ટ્રલ હોલ, એક રીતે આપણી લાગણીઓથી ભરપૂર છે. તે આપણને લાગણીશીલ બનાવે છે અને ફરજ માટે પ્રેરણા પણ આપે છે. આઝાદી પહેલા આ હોલનો ઉપયોગ એક રીતે પુસ્તકાલય તરીકે થતો હતો. આઝાદી પછી અહીં બંધારણ સભાની બેઠકો યોજાઈ અને બંધારણ સભાની બેઠકોમાં સઘન ચર્ચા-વિચારણા બાદ આપણું બંધારણ અહીં આકાર પામ્યું હતું. અહીં જ 1947માં બ્રિટિશ સરકારે સત્તાનું હસ્તાંતરણ કર્યું હતું, તે પ્રક્રિયાનો આ સેન્ટ્રલ હોલ સાક્ષી છે. આ સેન્ટ્રલ હોલમાં આપણો ત્રિરંગો અને રાષ્ટ્રગીત અપનાવવામાં આવ્યા હતા. આ ઐતિહાસિક પ્રસંગો પર, આઝાદી પછી એવા ઘણાં પ્રસંગો આવ્યા જ્યારે બંને ગૃહોએ સાથે મળીને ભારતનું ભાવિ ઘડવા સંમત થયા. 1952માં આ સેન્ટ્રલ હોલમાં લગભગ 42 રાષ્ટ્રના વડાઓએ સંબોધન કર્યું હતું. આપણા રાષ્ટ્રપતિ મહોદયોએ 86 વખત સંબોધન કર્યું..બંને ગૃહોએ મળીને લગભગ 4000 કાયદા પસાર કર્યા છે.
જૂની ઈમારતના વિદાય સમારંભને સંબોધતા પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આજે ભારત પાંચમુ અર્થતંત્ર બની ગયું છે પરંતુ પહેલા ત્રણના સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે. હું જે સ્થાને છું ત્યાંથી મારી પાસેની માહિતીના આધારે અને વિશ્વભરના મહાનુભાવો સાથે મેં કરેલી વાતચીતના આધારે હું કહું છું કે વિશ્વને વિશ્વાસ છે કે ભારત ટોચના 3 અર્થતંત્રમાં પહોંચશે. આપણે સૌપ્રથમ આત્મનિર્ભર ભારતના ધ્યેયને પૂર્ણ કરવું જોઈએ અને તેની શરૂઆત આપણાથી, દરેક નાગરિકથી થાય છે. એક સમય હતો જ્યારે લોકો લખતા હતા કે ‘મોદી આત્મનિર્ભરતાની વાત કરે છે, શું તેઓ બહુપક્ષીયતા માટે પડકાર નહીં બની જાય?’ આપણે છેલ્લાં પાંચ વર્ષમાં જોયું કે દુનિયાએ ભારતના આત્મનિર્ભર મોડલની વાત કરવાનું શરૂ કર્યું છે.
સંસદના વિશેષ સત્ર દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે આપણી યુનિવર્સિટીઓ વિશ્વની ટોચની રેન્કિંગમાં આવી ગઈ છે, હવે આપણે તેમાં પાછળ રહેવું નથી, તાજેતરમાં જ જ્યારે જી-20માં વિશ્વના મહેમાનો આવ્યા ત્યારે મે ત્યાં નાલંદાની તસવીર મૂકી હતી. જ્યારે હું વિશ્વના નેતાઓને કહેતો કે 1500 વર્ષ પહેલાં મારા દેશમાં શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ હતી, ત્યારે તેઓ સાંભળતા જ રહી જતા હતા. પીએમએ વધુમાં કહ્યું કે મારી પ્રાર્થના અને સૂચન છે કે જ્યારે આપણે નવા સંસદ ભવન જઈ રહ્યા છીએ ત્યારે તેની (જૂની સંસદ ભવન) ગરિમા ક્યારેય ઓછી ન થવી જોઈએ, તેને ફક્ત ‘જૂનું સંસદ ભવન’ કહીને છોડી દો, આવું ન થવું જોઈએ. . જો તમે બધા સંમત છો, તો ભવિષ્યમાં તેને ‘સંવિધાન સદન’ તરીકે ઓળખવામાં આવે.
Advertisement