કર્ણાટકમાં પાછલા ચાર દિવસથી ચાલી રહેલા નાટકની પૂર્ણાહૂતિ કરાવવા માટે કોંગ્રેસના શીર્ષ નેતૃત્વને અંતે સોનિયા ગાંધીના શરણમાં જવું પડ્યું.
Advertisement
Advertisement
વર્તમાન સંકટનો અંત આણવા માટે આલા હાઇકમાને સોનિયા ગાંધીને ડીકે શિવકુમારને ઉપમુખ્યમંત્રી અને રાજ્યમાં પાર્ટી અધ્યક્ષ પદ માટે મનાવવાનો આગ્રહ કર્યો જેથી કરીને સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવી શકાય.
સૂત્રો પાસેથી મળી રહેલી જાણકારી અનુસાર કેટલાક કલાકોની અંદર જ પાર્ટી તરફની આની ઔપચારિક જાહેરાત કરવામાં આવી શકે છે. આનાથી પહેલા શિવકુમારને દિલ્હીમાં જ્યારે પત્રકારોને પૂછ્યું કે શું તમે ઉપ મુખ્યમંત્રીનું પદ સ્વીકાર કરી લીધું છે તો પ્રસન્નતાપૂર્ણ ચહેરે તેમને કહ્યું કે, જો આલાકમાનનો નિર્દેશ મળે છે તો હું સ્વીકાર કરી લઈશ.
જોકે, સોનિયા ગાંધીના દખલ આપવાથી પહેલા શિવકુમાર મુખ્યમંત્રી પદ માટે જિદે ચડ્યા હતા પરંતુ હવે તેઓ ઉપમુખ્યમંત્રી બનશે અને સાથે જ પ્રદેશમાં પાર્ટીની કમાન પણ તેમના હાથમાં રહેશે.
કોંગ્રેસ પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, “સોનિયા ગાંધીએ શિવકુમારને કહ્યું હતું કે અમારી પાર્ટી મુશ્કેલીમાં છે, તેથી સમસ્યાને વધારશો નહીં. બાકીનું મારા પર છોડી દો. તમે મારા પુત્ર જેવા છો. હું તમારું ધ્યાન રાખીશ.”
કર્ણાટકમાં મુખ્યપ્રધાન પદ માટેની ખેંચતાણ ત્યારે સમાપ્ત થઇ જ્યારે સાંજે 7 વાગ્યે બેંગલુરુમાં ધારાસભ્ય દળના નેતાઓની બેઠકની માહિતી મોડી રાત્રે 1.30 વાગ્યે આપવામાં આવી.
સિદ્ધારમૈયા અને શિવકુમારનો શપથ ગ્રહણ કાંતિરવા સ્ટેડિયમમાં લેશે તેવા એક ફેક ન્યૂઝ આવ્યા બાદ એટલે કે બુધવારથી બધી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી.
જો કે, જ્યારે કોંગ્રેસના મહાસચિવ રણદીપ સિંહ સુરજેવાલાએ મીડિયાને કહ્યું કે સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવવાની માહિતી ખોટી છે, ત્યારે તૈયારીઓ પર બ્રેક લાગી ગઈ હતી.
મીડિયા અહેવાલો સાચા સાબિત થયા
સિદ્ધારમૈયા હસતા હસતા રાહુલ ગાંધીના નિવાસસ્થાનમાંથી બહાર આવ્યા ત્યારે મીડિયાએ એવો અહેવાલ વહેતો કર્યો કે સિદ્ધારમૈયા ધારાસભ્ય દળના નેતા બનશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળ્યા પહેલા સિદ્ધારમૈયા રાહુલ ગાંધીને મળ્યા હતા.
આના થોડા સમય બાદ શિવકુમાર ખડગેને મળ્યા હતા અને ત્યારબાદ તેઓ રાહુલ ગાંધીને મળ્યા હતા. આ બેઠકોમાં તેમણે મુખ્યપ્રધાન પદ માટે પોતાનો દાવો છોડવાનો ઇનકાર કર્યો હતો.
શિવકુમારે કહ્યું કે જ્યારે કોઈ નેતા રાજ્યમાં પાર્ટીની કમાન સંભાળવા તૈયાર નહોતા ત્યારે તેમણે આ પડકાર સ્વીકારી લીધો હતો. તેમણે સિદ્ધારમૈયાને તેમના 30 મહિનાના કાર્યકાળ બાદ 30 મહિના સુધી મુખ્યમંત્રી બનાવવાના પ્રસ્તાવને પણ સ્વીકાર્યો ન હતો.
સુરજેવાલાએ દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે આગામી 24 થી 48 કલાકમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે.
આ બેઠકોમાં હાજરી આપનાર એક વરિષ્ઠ નેતાએ નામ ન આપવાની શરતે બીબીસીને જણાવ્યું છે કે, “સંકટને ખત્મ કરવાની સમય સીમા એક રીતે શિવકુમાર માટે પાર્ટીનો નિર્ણય સ્વીકાર કરવામાં હતો. જોકે, પાર્ટીએ શિવકુમારની સાંગઠનિ ક્ષમતા અને સંસાધન સંપન્ન ભૂમિકાની પણ પ્રશંસા કરી હતી.
શિવકુમાર પાર્ટી હાઈકમાન્ડ સામે બે દલીલો મૂકી રહ્યા હતા. સૌપ્રથમ તો રવિવારે વિધાનસભા પક્ષની બેઠકમાં એક લીટીનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો કે વિધાનસભાના નેતાનો નિર્ણય હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવશે.
બીજી તરફ તેમની બીજી દલીલ એવી હતી કે ભૂતકાળમાં માત્ર પ્રદેશ પ્રમુખને જ મુખ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે, પછી ભલે તે 1989માં વીરેન્દ્ર પાટીલ હોય કે 1999માં એસએસ કૃષ્ણા હોય પરંતુ એક લીટીની દરખાસ્તની સાથે સાથે ખડગેના કહેવાથી ગુપ્ત મતદાન પણ કરવામાં આવ્યું.
ધારાસભ્યોએ સુશીલ કુમાર શિંદેના નેતૃત્વ હેઠળના નિરીક્ષકોની સામે બેલેટ બોક્સમાં કાગળની કાપલી પર વિધાનસભાના નેતા માટે તેમની પસંદગીનું નામ લખીને મુકવાનું હતું.
સિદ્ધારમૈયાએ આ સંકટ શરૂ થાય તે પહેલા જ મીડિયાને જણાવ્યું હતુ કે, તેઓ બધી જ રીતે ગુપ્ત મતદાનના પક્ષમાં છે, કેમ કે આજ લોકતાંત્રિક રીત પણ છે.
સોનિયા ગાંધીના નિર્દેશ પર બની વાત
આ સમસ્યાના ઉકેલ માટે સોનિયા ગાંધીની ભૂમિકા પર રાજકીય વિશ્લેષક અને મૈસુર યુનિવર્સિટીના આર્ટસ વિભાગના ડીન પ્રોફેસર મુઝફ્ફર અસદી કહે છે, “માત્ર સોનિયા ગાંધી જ શિવકુમારને પ્રભાવિત કરી શકે છે. શિવકુમાર તેમની વાત સૌથી વધુ સાંભળે છે.”
અત્રે એ યાદ રાખવું જરૂરી છે કે ચૂંટણી પરિણામો આવ્યા બાદ શિવકુમારે ખૂબ જ ભાવનાત્મક રીતે કહ્યું હતું કે, “તેઓ સોનિયા ગાંધીના ખૂબ જ આભારી છે, કારણ કે તેઓ તેમને મળવા તિહાર જેલમાં ગયા હતા.”
જેલમાં જ બેઠક દરમિયાન સોનિયા ગાંધીએ શિવકુમારને પ્રદેશ પાર્ટી અધ્યક્ષ બનાવવાની ખાતરી આપી હતી.
સિદ્ધારમૈયા કેવી રીતે પડ્યા ભારે?
સિદ્ધારમૈયાને શિવકુમારની તરફેણ શા માટે મળી તેનું કારણ સમજાવતા પ્રોફેસર અસદી કહે છે, “તેમની પાસે સમાજના તમામ વર્ગો સુધી પહોંચ છે. તેઓ સોશિયલ એન્જિનિયરિંગમાં પારંગત છે અને સ્વચ્છ છબી ધરાવે છે. તેઓ સારા વહીવટ માટે પણ ઓળખાય છે. ”
બીજી તરફ શિવકુમારના પાછળ રહેવાના કારણો અંગે અસદી કહે છે કે, “બે કારણો છે. સંભવ છે કે મુખ્યમંત્રી બન્યા પછી કેન્દ્રીય એજન્સીઓ શિવકુમારને પકડી પાડે અને તેમને જેલમાં ધકેલી દેવાની કોશિશને નકારી શકાય નહીં.
“તેનાથી રાષ્ટ્રીય સ્તરે પાર્ટીની છબીને નુકસાન પહોંચી શકે છે. આ ઉપરાંત જ્યારે સિદ્ધારમૈયા નિવૃત્ત થશે ત્યારે શિવકુમાર માટે મેદાન ખુલ્લું રહેશે કારણ કે તે ખૂબ જ યુવાન છે.”
તાજેતરમાં પૂર્ણ થયેલી કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને બહુમતી મળી છે. શનિવારે વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા. 224 સીટોવાળી વિધાનસભામાં કોંગ્રેસે 135 સીટો જીતી હતી.
આ ભવ્ય જીત છતાં કોંગ્રેસ મુખ્યમંત્રીની પસંદગી કરી શકતી ન હતી અને તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા હતા. શનિવારથી જ કર્ણાટક અને પછી દિલ્હીમાં મુખ્યમંત્રીને લઈને સતત ચર્ચાઓ ચાલી રહી હતી.
સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર પણ દિલ્હી પહોંચ્યા હતા. બંને નેતાઓ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સાથે વાત કરી. હવે કોંગ્રેસે ઘણા દિવસોની ચર્ચા બાદ સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કર્યો છે. તો અંતે એવું કહેવાય છે કે, સોનિયા ગાંધી ડીકે શિવકુમારને સમજાવવામાં સફળ થયા છે.
Advertisement